Get The App

'મમિફિકેશન દરમિયાન શબમાંથી કે મૃતદેહમાંથી હૃદય ક્યારેય કાઢવામાં આવતું નથી'

ભારતમાં ફક્ત ૬ મમિ છે જેમાની એક બરોડા મ્યુઝિયમમાં છે

બરોડા મ્યુઝિયમમાં સચવાયેલ મમિને મહારાજા સયાજીરાવ ૧૮૯૫માં ન્યૂયોર્કના મ્યુઝિયમમાંથી લાવ્યા હતા

Updated: Mar 10th, 2019

GS TEAM

Google News
Google News

વડોદરા, તા. 10 માર્ચ 2019, રવિવાર'મમિફિકેશન દરમિયાન શબમાંથી કે મૃતદેહમાંથી હૃદય ક્યારેય કાઢવામાં આવતું નથી' 1 - image

ઈજિપ્ત મમિઓના સંગ્રહ માટે સૌથી વધુ પ્રખ્યાત છે. વ્યક્તિના મૃત્યુ બાદ ૭૦ દિવસની મમિફિકેશનની પ્રોસેસ કરવામાં આવે છે. જેમાં મૃત શરીરની ડાબી બાજુ કાપો મૂકી ફેફ્સા, કીડની, લીવર અને આંતરડુ બહાર કાઢીને કેનોપીક જારમાં મૂકવામાં આવે છે પરંતુ હૃદયને માનવ શરીરમાંથી કાઢવામાં આવતુ નથી કારણકે ઈજિપ્તના લોકો માને છે કે આત્મા હંમેશા અમર જ રહે છે.એમ, એમ.એસ.યુનિ.ના મ્યુઝિઓલોજી વિભાગમાં પીએચ.ડીની ડિગ્રી પ્રાપ્ત કરનાર ડો.કનિકાએ જણાવ્યું હતું.

કમાટીબાગમાં આવેલું બરોડા મ્યુઝિયમ અને ફતેહસિંહ મ્યુઝિયમમાં સચવાયેલી કિંમતી વસ્તુઓની જાણકારી વાર્તાના માધ્યમથી પહોંચાડવાનું કામ એમ.એસ.યુનિ.ની ભૂતપૂર્વ વિદ્યાર્થિની કરી રહી છે. બરોડા મ્યુઝિયમમાં સવારે રાખવામાં આવેલા વાર્તાકથનમાં પાંચથી બાર વર્ષના બાળકો તેમના માતા-પિતા સાથે આવ્યા હતા. ડો.કનિકાએ મમિફિકેશન વિશે વધુ જાણકારી આપતા કહ્યું કે, ભારતમાં મુંબઈ, જયપુર, કોલકતા, હૈદરાબાદ, લખનઉ અને ગુજરાતમાં ફક્ત બરોડા મ્યુઝિયમમાં આશરે ૨૦૦૦થી ૨૫૦૦ વર્ષ જૂની મમિ સચવાયેલી છે. મમિફિકેશન દરમિયાન શરીરમાંથી ચાર અંગો કાઢ્યા બાદ શરીરમાં રહેલા પાણીને શોષવા માટે ૪૦ દિવસ સુધી મૃત શરીરની અંદર નમક લગાવામાં આવે છે. તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ વ્યક્તિના જીવનની તમામ યાદોના ચિત્ર સાથેનું કોફીન તૈયાર કરવામાં આવે છે. આ કોફીનની અંદર ૭૦ દિવસ બાદ પૂજા કરીને મમિની સાથે એક શાબતી એટલે માણસનું પૂતળુ મૂકવામાં આવે છે.

કારણકે તેઓ માને છે કે મૃત્યુ બાદ જિંદગી ખત્મ થતી નથી એટલે મૃત્યુ બાદ તેમની સેવા કરવા માટે આ શાબતીને મૂકવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, ગ્રીક શબ્દ શાબતીનો અર્થ સાથીદાર અથવા જોડીદાર થાય છે. એ સમયમાં મમિ ખૂબ ખર્ચાળ હોવાથી રાજા-મહારાજા, ધનવાન અને પાદરીઓના મમિ બનાવામાં આવતા હતા. લંડન મ્યુઝિયમમાં એકસાથે ૨૦૦ મમિ સચવાયેલ છે જેમાં દરેકની સાથે શાબતી છે. ઉલ્લેખનીય છે કે, ૧૮૯૫માં મહારાજા સયાજીરાવ ગાયકવાડ ન્યૂયોર્કના મ્યુઝિયમમાંથી મમિને બરોડા લાવ્યા હતા.

અકબરના સમયમાં બનેલા હમઝાનામા તેમજ મ્યુઝિયમમાં સચવાયેલા મીનીએચર પેઈન્ટીંગ્સ વિશે ડો.કનિકાએ બાળકોને જાણકારી આપી હતી. મ્યુઝિયમ વોકના અંતે બાળકોએ મ્યુઝિયમમાં જોયેલા ચિત્રોમાં રંગપૂર્ણી તેમજ વાર્તા લખી હતી.

Tags :