માજંલપુરમાં ધોળેદહાડે મકાનના તાળા તોડી ચોર ટોળકી ત્રાટકી
ચોર ટોળકી સાડાઆઠ તોલાના દાગીના ચોરી કરી ભાગી છુટી
વડોદરા,તા,18,જાન્યુઆરી,2020,શનિવાર
માંજલપુરમાં વંદન એન્કલવમાં પરિવાર સાથે રહેતા એન્જિનિયરના બંધ મકાનને ધોળેદહાડે નિશાન બનાવીને ચોર ટોળકી ૧.૬૮ લાખની મત્તા ચોરી ગઇ હતી.
આ અંગેની વિગત એવી છે કે માંજલપુર રાજેન્દ્ર સોસાયટીમાં વંદન એન્કલેવમાં રહેતા વત્સલ અશ્વિનભાઇ ત્રિવેદી ખાનગી કંપનીમાં એન્જિનિયર છે. ગઇકાલે સવારે ૮ વાગ્યે તેમના પત્ની સાડાનવ વાગ્યે તેમની બહેન અને ૧૦ વાગ્યે વત્સલ પોતે ઘર બંધ કરીને નોકરી પર ગયા હતાં. તેમના પત્ની બપોરે ત્રણ વાગ્યે નોકરીએથી ઘરે આવ્યા ત્યારે જોયું તો મકાનના દરવાજાનો નકુચો તૂટેલી હાલતમાં હતો જેથી પત્ની પાયલે વત્સલને ફોન કરીને ઘરે બોલાવ્યો હતો. વત્સલે ઘરે આવીને જોયુ તો બેડરૃમના કબાટના દરવાજા ખુલ્લા હતા અને સામાન વેરવિખેર હાલતમાં હતો. ઘરમાં તપાસ કરી તો સોનાની ત્રણ વીંટી, બે ચેઇન, બેજોડ બુટ્ટી, મંગળસૂત્ર, ડોકિયુ, સેટ મળીને સાડા આઠ તોલાના દાગીના ચોરી ગયા હતાં. જે અંગે એન્જિનિયરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.