યોગ ઉપર વિશ્વનું સૌપ્રથમ વૈજ્ઞાાનિક સંશોધન વડોદરામાં થયું હતું
વિશ્વ યોગ દિવસની ઉજવણી થઇ રહી છે ત્યારે જાણો વડોદરાનો યોગ ઇતિહાસ
કુવલયાનંદજીનો જન્મ ડભોઇમાં થયો હતો અને માલસરના સ્વામી માધવદાસજી પાસે દીક્ષા લીધી હતી : વિશ્વની સૌપ્રથમ યોગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટ પણ તેમણે સ્થાપી હતી
![]() |
ડાબે પ્રથમ સ્વામી કુવલયાનંદજી અને બાજુની તસવીરમાં બરોડા સ્ટેટ હોસ્પિટલ ખાતે કુવલયાનંદજીના માર્ગદર્શન હેઠળ ચાલતુ યોગનું વૈજ્ઞાનિક સંશોધન |
વડોદરા : અગણિત ફાયદાઓના કારણે વિશ્વભરમાં કરોડો લોકોએ ભારતીય વૈદિક ક્રિયા 'યોગ' ને પોતાની જીવનશૈલીનો ભાગ બનાવી દીધો છે. ધર્મ, ભાષા, પ્રાંત અને સરહદોના ભેદભાવ ઓળંગીને 'યોગ' શબ્દ 'સર્વસ્વીકૃત' બન્યો છે. પ્રાચીનકાળમાં જંગલોમાં, ગિરિકંદરાઓમાં યોગીઓ-ઋષિમુનિઓ જે યોગિક ક્રિયાઓ ગુફાઓમાં, એકાંતવાસમાં કરતા હતા તે ક્રિયા હવે ન્યુયોર્કના ભારે ભીડભાડવાળા વિસ્તાર મેનહટનની કોર્પોરેટ ઓફિસમાં અમેરિકન બિઝનેસમેન કરી રહ્યા છે અને ભારત જેવા દેશમાં અંતરિયાળ ગામડામાં રહેતો માણસ પણ યોગ કરી રહ્યો છે.ભારતની આ પ્રાચીન પરંપરા વિશ્વમાં આટલી પ્રસિધ્ધ કેમ થઇ અને ભારતમાંથી વિશ્વભરમાં કોણે ફેલાવી તે સવાલનો જવાબ ગુજરાતના લોકો માટે, ખાસ કરીને વડોદરાના લોકો માટે આશ્ચર્યજનક છે.ઇતિહાસના પુસ્તકોમાં માત્ર કાળા અક્ષરો પૂરતી સિમિત બની ગયેલી આ અમૂલ્ય બાબતોને ચાલો ઉજાગર કરીએ અને જાણીએ કે વડોદરા એક સમયે આધ્યાત્મ અને યોગનું મુખ્ય કેન્દ્ર હતું અને અહીંથી પ્રગટેલી ઊર્જાએ યોગને વિશ્વમાં પહોંચાડયો હતો.
![]() |
સ્વામી કુવલયાનંદજીએ લોનાવાલા ખાતે સ્થાપેલી યોગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં ચાલી રહેલા સંશોધનને નીહાળી રહેલા તત્કાલીન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ તેમની બાજુમાં કુવલયાનંદજી જણાય છે |
વિશ્વમાં યોગ વિષે પ્રથમ વખત વૈજ્ઞાાનિક સંશોધન વડોદરામાં સ્વામી કુવલયાનંદજીએ કર્યુ હતું. ૩૦ ઓગસ્ટ ૧૮૮૩ના રોજ ડભોઇમાં જન્મેલા કુવલયાનંદજીએ નર્મદા કિનારે આવેલા માલસર ગામના સિધ્ધ યોગી સ્વામી માધવદાસજી પાસે દીક્ષા લીધી હતી. માધવદાસજી એવું ઇચ્છતા હતા કે 'યોગ' વિશ્વભરના મનુષ્ય સુધી પહોંચવો જોઇએ. પશ્ચિમી જગતના લોકો વૈજ્ઞાાનિક આધાર વગર યોગ નહી સ્વીકારે એવી ખબર હોવાથી સ્વામી કુવલયાનંદજીએ સન ૧૯૨૦માં બરોડા સ્ટેટ હોસ્પિટલ (વર્તમાનમાં બરોડા મેડિકલ કોલેજ)ના પ્રોફેસરો, ટેકનિકલ સ્ટાફને સાથે રાખીને હોસ્પિટલમાં જ યોગની ક્રિયાઓ 'ઉડયાનબંધ' તથા 'નૌલી' ઉપર રિસર્ચ શરૃ કર્યું અને શ્વાસને પેટમાં ભરી રાખવાથી અને તેને છોડયા બાદ શરીરમાં હવાનું કેટલુ દબાણ ઊભું થાય છે અને ઓક્સિજન તથા કાર્બન ડાયોક્સાઇડની માત્રામાં શું તફાવત આવે છે તેની શોધ કરી. આ સંશોધનને આગળ વધારવા કુલવયાનંદજીએ ૧૯૨૪માં લોનાવાલા ખાતે વિશ્વની સૌપ્રથમ યોગ રિસર્ચ ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી. યોગ સાયન્સ ઉપર તેઓ જર્નલ પણ પ્રસિધ્ધ કરતા હત, તો કુવલયાનંદજીના ગુરૃભાઇ એટલે કે સ્વામી માધવદાસજીના અન્ય એક શિષ્ય સ્વામી યોગેન્દ્રજીએ મુંબઇના સાંતાક્રુઝ ખાતે સન ૧૯૧૮માં દુનિયાની પ્રથમ યોગા ઇન્સ્ટિટયૂટની સ્થાપના કરી હતી. આ એવી સંસ્થા હતી કે જ્યાં સામાન્ય લોકોને યોગની સંપૂર્ણ તાલીમ આપવામાં આવતી હતી.
વિશ્વભરમાં યોગના ફેલાવામા વડોદરાની ભૂમિકા વિષેનું આ રસપ્રદ સંશોધન મધ્ય પ્રદેશના પન્નાના રહેવાસી અને હાલમાં વડોદરા સ્થાઇ થયેલા હિતેશ પટેલે કર્યુ છે.
ચાણોદના બ્રહ્માનંદજીએ સયાજીરાવ ગાયકવાડ અને મહર્ષિ અરવિંદને યોગાભ્યાસ કરાવ્યો હતો
![]() |
પ.પૂ.સ્વામી બ્રહ્માનંદજી -પૂ. સ્વામી માધવદાસજી - પૂ. સ્વામી કૃપાલવાનંદજી |
મહારાજા સયાજીરાવ ગાયકવાડ (તૃતીય) વડોદરા નજીક નર્મદા કિનારે વસેલ પ્રાચીન તીર્થધામ ચાણોદના ગંગનાથ આશ્રમમાં નિયમિત જતા હતા. તેનું કારણ સ્વામી બ્રહ્માનંદજી હતા. આ સમય સન ૧૯૦૦ની આસપાસનો છે. તે સમયે બ્રહ્માનંદજીની ઉમર ૨૫૦ વર્ષની હતી એવું લોકો કહેતા હતા કેમ કે ગાયકવાડ પરિવારની ચાર પેઢી બ્રહ્માનંદજી પાસેથી યોગ સાધના શીખવાઆવતી હતી. એક વખત મહારાજા સયાજીરાવ ગાયકવાડ મહર્ષિ અરવિંદ (ત્યારે અરવિંદ હજુ મહર્ષિ બન્યા નહતા, બરોડા કોલેજમાં અધ્યાપક હતા)ને લઇને બ્રહ્માનંદજી પાસે આવે છે તે સમયે બ્રહ્માનંદજીના શિષ્ય દેવધર મહર્ષિ અરવિંદને પ્રાણાયામ શીખવે છે. કહેવાય છે કે એ પછી અરવિંદના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું હતું.
કાયાવરણના કૃપાલવાનંદજીની 'કુંડલિની યોગા' પધ્ધતિ વિશ્વભરમાં લોકપ્રિય છે
વડોદરા નજીક આવેલા કાયાવરણ (કાયાવરોહણ) ગામને ગુજરાતના કાશી તરીકે ઓળખવામાં આવે છે કેમ કે અહીં પ્રાચીનકાળમાં વૈદિક પાઠશાળાઓ, યુનિવર્સિટી અને યોગશાળાઓ હતી, પરંતુ આ પરંપરા લુપ્ત થતી ગઇ. સન ૧૯૧૩માં ડભોઇમાં જન્મેલા સ્વામી શ્રી કૃપાલવાનંદજીએ આ પરંપરાને કાયાવરણ આવીને પુનઃ જીવિત કરી. તેઓ અમદાવાદમાં સંગીત શિક્ષક હતા, પરંતુ જીવનમાં પરિવર્તન આવ્યું અને આધ્યાત્મ તરફ વળ્યા. તેમણે યોગની એક વિશિષ્ઠ પધ્ધતિનો આવિષ્કાર કર્યો જે આજે આખા વિશ્વમાં 'કુંડલિની યોગા' અથવા તો 'કૃપાલુ યોગા' તરીકે પ્રસિધ્ધ છે.
![]() |
સ્વામી વિવેકાનંદજી અને મહર્ષિ અરવિંદ |
પશ્ચિમના લોકોને યોગનો પરિચય કરાવતા પહેલા સ્વામી વિવેકાનંદે વડોદરામાં ૩ દિવસ યોગ સાધના કરી હતી
સન ૧૮૯૩માં એક અદ્ભૂત ઘટના બની. મહારાજા સયાજીરાવ ગાયકવાડના આમંત્રણને માન આપીને મહર્ષિ અરવિંદ ફેબુ્રઆરી-૧૮૯૩માં લંડનથી વડોદરા આવે છે, તો સપ્ટેમ્બર ૧૮૯૩માં સ્વામી વિવેકાનંદ શિકાગોમાં વિશ્વ ધર્મ સંસદને સંબોધન કરીને ઇતિહાસ રચે છે. સ્વામી વિવેકાનંદજી પોતાના અમેરિકા પ્રવાસ દરમિયાન હિન્દુ ધર્મ અને યોગ-સાધનાનો ભરપૂર પ્રચાર કરે છે. પશ્ચિમ જગત માટે 'યોગ'નો આ પ્રથમ પરિચય હતો. વિવેકાનંદજી શિકાગો પહોંચે છે તે પહેલા તેઓ વડોદરા આવ્યા હતા અને વડોદરાના દિવાનના બંગલામાં ત્રણ દિવસ યોગ સાધના કરી હતી. આ બંગલો હાલમાં પણ અસ્તિત્વમાં છે અને વિવેકાનંદ મેમોરિયલ તરીકે ઓળખાય છે.
મહર્ષિ અરવિંદના આધ્યાત્મ અને યોગ જીવનની શરૃઆત વડોદરાથી જ થઇ હતી