વડોદરા જિ.પંચાયતના એન્જિનિયરની બોગસ સહીઓ કરીને કામો મંજૂર થઇ ગયા
Updated: Aug 25th, 2023
વડોદરાઃ વડોદરા જિલ્લામાં સરકારી ગ્રાન્ટનો દૂરૃપયોગ કરવાના અનેક કિસ્સા બહાર આવી રહ્યા છે ત્યારે પંચાયતના એક એન્જિનિયરે તેમની બોગસ સહીઓ કરીને કામની મંજૂરી આપી દેવામાં આવી હોવાની ચોંકાવનારી કબૂલાત કરી હોવાની વિગતો બહાર આવી છે.
વડોદરા જિલ્લાના શિનોર તાલુકામાં થયેલા વિકાસના કામોમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની રજૂઆત ખુદ શિનોર તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા આજે વડોદરા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ કરાતાં પંચાયત વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.
તેમણે શિનોર તાલુકામાં પાણીની પાઇપના એક કામમાં ગેરરિતી આચરવામાં આવી હોવાના મુદ્દે તપાસની માંગણી કરી હતી.આ ઉપરાંત ખરીદીની કેટલીક બાબતોમાં પણ બોગસ જીએસટી નંબર નાંખવામાં આવ્યા હોવાના આક્ષેપ કરી ગંભીરતા પૂર્વક તપાસ કરવાની માંગણી કરવામાં આવી હતી.
આ તબક્કે શિનોરના પ્રમુખે એવો દાવો કર્યો હતો કે,વિકાસના કામમાં પંચાયતના એન્જિનિયરની ખોટી સહી કરીને એસ્ટિમેટ તૈયાર કરવામાં આવ્યો છે.જે બાબતે ખુદ એન્જિનિયરે પણ લેખિતમાં કબૂલાત કરી છે. જેથી આ બાબત ખૂબ જ ગંભીર હોવાથી તેની તાકિદે તપાસ થવી જોઇએ. હાલમાં એન્જિનિયરની હાલમાં જિલ્લા બહાર બદલી થઇ ગઇ છે.પરંતુ તેમની સહીઓ સાથે કેટલા કામો મંજૂર કરવામાં આવ્યા છે તે બાબતે દાખલારૃપ કાર્યવાહી થવી જોઇએ.