વડોદરા શિક્ષણ સમિતિ સર્વ શિક્ષા અભિયાન હેઠળ પ્રવાસની ગ્રાંટ વાપરી ન શકી
વડોદરા, તા. 2 જુલાઈ 2019, મંગળવાર
વડોદરા સર્વ શિક્ષણ અભિયાન તેમજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાના વહીવટ અંગે રાજ્યકક્ષાથી તપાસ સમિતિ રચવાની માગણી સાથે સરકારમાં રજુઆત કરવામાં આવી છે.
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિરોધ પક્ષના બે સભ્ય દ્વારા રજૂઆત થઇ છે કે સર્વ શિક્ષા અભિયાન દ્વારા રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન હેઠળ ધોરણ 8ના 500 વિદ્યાર્થીદીઠ રૂપિયા 200ની ગ્રાન્ટ અપાય છે.
ગણિત વિજ્ઞાન વિષયમાં વિજ્ઞાન મેળા પ્રદર્શન માટે આ રીતે એક લાખની ગ્રાન્ટ ફાળવી છે જે ગ્રાન્ટ વાપરવા પ્રવાસનું આયોજન ફેબ્રુઆરી કે માર્ચના અંત સુધીમાં કરવાનું હતું પરંતુ આ પ્રવાસ થઈ શક્યો નહીં અને ગ્રાન્ટ બીજા હેડમાં ટ્રાન્સફર કરી દેવાઈ. ખરેખર તો આ ગ્રાંટ તેમજ વાપરવી જોઈએ ગ્રાન્ટ વપરાય નહીં તો રાજ્ય સરકારને પરત પણ આપી દેવી જોઈએ.
દરમિયાન સમિતિના વર્તુળોએ જણાવ્યું હતું કે શિક્ષણ સમિતિને ગ્રાન્ટ મળવામાં વિલંબ થયો છે. અમે આ અંગે ગ્રાન્ટનું શું કરવું તેનું માર્ગદર્શન પણ માગ્યું છે. ગ્રાન્ટ મોડી મળી તે માટે અમુક જવાબદાર છે. ગ્રાન્ટ સમયસર નહિ મળી તેના કારણે પ્રવાસ પણ કરી શકાયો નહીં. ગ્રાન્ટ ક્યાં વાપરવી તેની પણ કોઈ ચોખવટ હતી નહીં. હાલ ગ્રાન્ટ જેમની તેમ પડી રહી છે.