લાખોના ખર્ચે બનાવેલા યુનિ. બેડમિન્ટન કોર્ટમાં ઉદ્ઘાટન પહેલા જ રિનોવેટની નોબત
- રૂપિયાનો વેડફાટ છતાં સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી
- કન્સલ્ટિંગ કંપનીની ફોલ્ટી ડિઝાઈન-પ્લાનને લીધે સેન્ટ્રલી AC બેડમિન્ટન કોર્ટમાં પાણી ઘૂસી જતા વુડન ફલોરિંગ તોડવું પડ્યું
અમદાવાદ, તા. 27 ડિસેમ્બર, 2020, રવિવાર
ગુજરાત યુનિવર્સિટી દ્વારા થોડા સમય પહેલા જ લાખો રૂપિયાના ખર્ચે બેડમિન્ટન કોર્ટ તૈયાર કરવામા આવ્યો હતો અને તૈયાર થાય બાદ તેનું ઉદઘાટન થાય કે વિદ્યાર્થીઓને રમવા તેમજ ટુર્નામેન્ટ માટે ખુલ્લો મુકવામા આવે ત પહેલા જ તેમાં પાણી ઘુસી જ જતા કોર્ટના રીનોવેશન પાછળ ખર્ચેલા લાખો રૂપિયા પાણીમાં ગયા છે.
હાલ કોર્ટનું સમગ્ર વુડન ફ્લોરિંગ તોડવુ પડયુ છે અને ફરીથી લાખો ખર્ચી રીનોવેશન કરવુ પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.વિદ્યાર્થીઓની ફીના સરકારની ગ્રાન્ટના રૂપિયા આ રીતે પાણીમાં વેડફાઈ જતા હોવા છતાં પણ યુનિ.ના સત્તાધીશોનું પેટનું પાણી નથી હલતુ.
ગુજરાત યુનિ.માં હાલ ઠેર-ઠેર નવા બાંધકામો, બિલ્ડીંગોની તોડફોડ, રીનોવેશન થઈ રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી ચાલતા વિવિધ બિલ્ડીંગો-ભવનોના રીનોવેશન તથા નવા બાંધકામો પાછળ કરોડો રૂપિયા ખર્ચવામા આવી રહ્યા છે.
યુનિ.દ્વારા કેમ્પસમાં જીમ્નાશિયમ હૉલ બિલ્ડીંગમાં 50થી60 લાખ રૂપિાયના ખર્ચે સેન્ટ્રલી એસી બેડમિન્ટન કોર્ટ બનાવવામા આવ્યો હતો.લગભગ દોઢ વર્ષથી કોર્ટનું રીનોવેશન કામ ચાલી રહ્યુ હતુ. ગત જુન મહિનામાં કોર્ટ રીનોવેટ થઈને તૈયાર થઈ ગયો હતો. લોકડાઉનને કારણે વિદ્યાર્થીઓ ન હોવાથી ઉદઘાટન થઈ શક્યુ નહતુ કે વિદ્યાર્થીઓ માટે વિધિવત ખુલ્લો મુકી શકાયો ન હતો.
પરંતુ યુનિ.દ્વારા જે કન્સલ્ટિંગ એજન્સીને કામ અપાયુ હતુ તેના દ્વારા મંજૂર કરાયેલી ફોલ્ટી ડિઝાઈન અને પ્લાનના કારણકે જુલાઈ-ઓગસ્ટ મહિના દરમિયાન કોર્ટમાં પાણી ઘુસી ગયુ હતું.પાણી કઈ રીતે રોકાય તેના પ્લાનિંગ વગર તૈયાર કરી દેવાયેલા નવા બેડ મિન્ટન કોર્ટમાં સંપૂર્ણ નવુ વુડન ફ્લોરિંગ પાણીમાં ગરકાવ થતા બેસી ગયુ હતુ.
આ ઉપરાંત એ.સી પણ એ રીતે ફીટ કરવામા આવ્યા છે કે જેમાં બેડ મિન્ટનના ખેલાડીઓને શટલ કોકની સર્વિસમાં મુશ્કેલી પડે અને પરિણામ ફાઉલ થઈ જાય સંપૂર્ણ કોર્ટની દિવાલોમાં થયેલ કલર કામ પણ યોગ્ય રીતે થયુ ન હોવાથી હાલ દિવાલોમાં ભેજ આવે છે અને કલર પણ ઉખડી ગયો છે.
આમ લાખોના ખર્ચે બનાવેલ બેડ મિન્ટન કોર્ટ પાછળ ખર્ચાયેલા રૂપિયા ખોટી રીતે વેડફાઈ ગયા છે અને ફરીથી ખર્ચો કરીને રીનોવેશન કરવુ પડી રહયુ છે.હાલ તમામ વુડન ફ્લોરિંગને ઉખાડીને લાકડા તડકામાં સુકવવા પડયા છે. ઉપરાંત હવે યુનિ.તંત્રને સમજણ પડી છે કે પાણી કઈ રીતે રોકવુ જેથી હોલના ફરતે પુરાણ કરી જમીન ઊંચી કરવામા આવી રહી છે.