For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

ગુજરાતની ગાદી જોઇએ તો જ્ઞાતિ અને વિસ્તાર સાથે તાલમેલ મેળવવો પડે છે

Updated: Sep 13th, 2021

Article Content Image

કોઇ પાર્ટી જ્ઞાતિવાદથી અછૂત નથી, સૌથી મોટો 48 ટકાનો વર્ગ ઓબીસી, બીજાક્રમે આદિવાસી અને ત્રીજાસ્થાને પાટીદારો છે

ગાંધીનગર : ગુજરાતના રાજકારણમાં જ્ઞાતિવાદથી કોઇ પક્ષ અછૂત નથી. પ્રત્યેક પાર્ટીમાં વિવિધ જ્ઞાતિઓના આગેવાનો જોઇએ છે. લોકસભા કે વિધાનસભાની ચૂંટણીમાં વિસ્તાર અને જ્ઞાતિ પ્રમાણેના ઉમેદવારોનું મહત્વ આજે પણ એવું જ છે. માત્ર ચૂંટણી જ નહીં, સરકાર કે સંગઠનમાં પદાધિકારીઓની વરણી કરવાની થાય ત્યારે પણ રાજકીય પાર્ટીના નેતાઓને જ્ઞાતિ યાદ આવે છે.

ગુજરાતની બે મુખ્ય ધારા ભાજપ અને કોંગ્રેસના ટોચના નેતાઓ વર્ષોથી જ્ઞાતિવાદનું રાજકારણ ખેલી રહ્યાં છે. કોંગ્રેસના માધવસિંહ સોલંકીની સરકાર હતી ત્યારે તેમણે ચૂંટણી સમયે ખામ થિયરી એટલે કે ક્ષત્રિય, શિડયુઅલ કાસ્ટ, આદિવાસી અને મુસ્લિમ મતદારોને રિઝવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો. જો કે ગુજરાતમાં જ્યારે ચીમનભાઇ પટેલની સરકાર આવી ત્યારે તેમણે ઓબીસી અને પાટીદારો વચ્ચે તાલમેલ ઘડયો હતો.

રાજ્યમાં સૌથી વધુ વસતી અને મતદારો ઓબીસી જ્ઞાતિના છે. આ જ્ઞાતિનું વર્ચસ્વ 48 ટકા છે જેમાં કોળી સમાજનો પણ સમાવેશ થાય છે જે વિધાનસભાની 37 બેઠકો પર અસર કરે છે. બીજાક્રમે 13 ટકા આદિવાસી મતદારો છે જેઓનું પ્રભુત્વ 27 બેઠકો પર છે.

રાજ્યમાં 12 ટકા પટેલો છે જેમાં કડવા અને લેઉઆ પટેલ આવી જાય છે. પટેલો અંદાજે 33 બેઠકો પર નિર્ણાયક હોય છે. એ ઉપરાંત રાજ્યમાં આઠ ટકા મુસ્લિમ, પાંચ ટકા ક્ષત્રિય, 7 ટકા સિડયુઅલ કાસ્ટ, બે ટકા બ્રાહ્મણ, બે ટકા જૈન અને બાકીના ચાર ટકામાં અન્ય જ્ઞાતિઓ છે. આ 100 ટકા જ્ઞાતિઓની પ્રત્યેક પાર્ટી અને ઉમેદવારને જરૂર પડતી હોય છે.

રાજકીય રીતે ગુજરાતના છ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે જે પૈકી સૌથી મોટો ઝોન સૌરાષ્ટ્ર છે. કચ્છને અલગ માપદંડથી જોવામાં આવે છે. બીજાક્રમે ઉત્તર ગુજરાત આવે છે. ત્રીજાક્રમે દક્ષિણ ગુજરાત અને ચોથાક્રમે મધ્ય ગુજરાત આવે છે. અમદાવાદનો સમાવેશ અલગથી કરવામાં આવે છે. કોઇપણ સરકારને મુખ્યમંત્રી બનાવવા હોય અને કેબિનેટની રચના કરવી હોય તો જ્ઞાતિ સાથે વિસ્તારને મહત્વ આપવું પડે છે.

2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે પાટીદારોએ તાજેતરમાં પટેલ મુખ્યમંત્રીની મુહિમ છેડી હતી જેને ધ્યાને લઇને ભાજપે પાટીદાર સમાજના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલને પસંદ કર્યા છે પરંતુ હવે તેમની કેબિનેટમાં વિસ્તાર અને જ્ઞાતિને મહત્વ આપવું પડે તેમ છે તેથી કોળી અને ઠાકોર સાથે ઓબીસી, ક્ષત્રિય, આદિવાસી અને બ્રાહ્મણ જ્ઞાાતિના મંત્રીનો સમાવેશ કરવો પડે તેમ છે.

Gujarat