વડોદરાઃ વિદ્યાર્થિનીને ક્લાસમાં દારૃ પીવડાવનાર શિક્ષકને કોર્ટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતાં તેને સેન્ટ્રલ જેલમાં મોકલાયો છે.
નિઝામપુરાના અર્પણ કોમ્પ્લેક્સમાં આવેલા એજ્યુકેટ ફર્સ્ટ ક્લાસના સંચાલક પ્રશાંત ખોસલાએ ૧૫ વર્ષીય વિદ્યાર્થિનીને વોડકા પીવડાવતાં તે બેભાન બની ગઇ હતી.જેથી ગભરાઇ ગયેલો શિક્ષક તેને રિક્ષામાં ઘેર મૂકી આવ્યો હતો.
વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં તેણે શિક્ષક પ્રશાંતની હરકતોનો ભાંડો ફોડયો હતો. ફતેગંજ પોલીસના પીઆઇ કે પી પરમારે શિક્ષક સામે દારૃબંધીનો તેમજ સગીર વિદ્યાર્થિનીને બદઇરાદાથી કેફી પીણું પીવડાવવા બદલ અલગ અલગ બે ગુના નોંધી શિક્ષકની ધરપકડ કરી હતી.
આજે પોલીસે પ્રશાંત હરજીન્દલ ખોસલા(શ્રીનાથ ક્લાસિક કોમ્પ્લેક્સ,નતાશા પાર્ક,છાણી જકાતનાકા)ને કોર્ટ સમક્ષ રજૂ કરી વધુ તપાસ માટે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.જો કે કોર્ટે શિક્ષકને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો.


