પૂર્વ અમદાવાદના શેરી ગરબા જોવા લોકો બળદગાડા, ટ્રેક્ટરો ભરીને ઉમટી પડતા !
- અઢી દાયકા પહેલાનો નવરાત્રિનો આખો માહોલ અદભુત હતો
- પોલીસ બંદોબસ્ત કે પરમીશન પણ લેવી નહોતી પડતી, ઢોલના તાલે વહેલી પરોઢ સુધી ગરબા ચાલતા
અમદાવાદ,તા.09 ઓક્ટોબર 2021, શનિવાર
પૂર્વ અમદાવાદમાં આજથી અઢી દાયકા એટલેકે ૧૯૯૫માં નવરાત્રિ કંઇક અલગ જ રંગરૂપમાં ઉજવાતી, સામુહિક ગરબા, આખી રાત ચાલતા ગરબા, ઢોલના તાલે ગરબે ગુમતા લોકો, પોલીસ બંદોબસ્ત કે પરમીશનની પણ જરૂર નહોતી, માતાજીની આરતી કરવા માટે બોલાતી બોલી, બુંદીના લાડુ અને શિંગ-સાકરીયાનો પ્રસાદ, લોકો ગાડાઓ કે ટ્રેક્ટરોમાં નજીકના સ્થળે યોજાતા પ્રખ્યાત ગરબા જોવા જતા, કપડા ખરીદવાને બદલે લોકો એકબીજાના કપડા અરસ-પરસ માંગીને પહેંરતા , મહિલાઓ ચણિયાચોરી, ભરતગુંથણવાળા પારંપરીક વસ્ત્રો ધારણ કરતી જ્યારે પુરૂષો કેડિયું-પસેડી અને ઝભ્ભો-લેંઘો પહેરીને ગરબે ઘુમતા, માથે ગરબી હોય, દિલ-દીમાગમાં ફકત માતાજીની આરાધના અને ભક્તિમય માહોલ વચ્ચે યોજાતા ગરબા તેના વાસ્તવિકરૂપમાં યોજાતા હતા. અને લોકો મનમુકીને આનંદ લૂંટતા હતા. દિવાળી કરતા પણ નવરાત્રિના તહેવારનો માહોલ, ઉત્સાહ અને ઉમંગ વધુ જોવા મળતો હતો.
પૂર્વમાં શેરી ગરબા તેના સુવ્યવસ્થિત આયોજન માટે ભારે વખણાતા, વહેલી પરોઢ સુધી ગરબા ચાલતા. કઠવાડા ગામે ઇન્દિરા વસાહત હુડકો ખાતે ૯૦ના દાયકામાં જબ્બર ગરબા જામત, કોમન ચોકમાં ઢોલના તાલે ગરબા યોજાય ત્યારે આખો માહોલ અનેરો બની જતો. તે સમયે હુડકોના ગરબા એટલા પ્રખ્યાત હતા કે આજુબાજુના ગામોમાંથી લોકો ખાસ ગરબા જોવા આવતા, કઠવાડા, કણભા, કુહા, કાણિયેલ, ચાંદિયેલ , ઝાણું, પસુંજ, ભુવાલડી સહિતના ગામોમાંથી લોકો બળદગાડા, ટ્રેક્ટરો લઇને ગરબા જોવા ઉમટી પડતા અને આખી રાત ગરબાની મોજ માણતા, સ્થાનિક રહેવાસીઓ પણ બીજા ગામેથી આવતા લોકોને મહેમાન ગણી તેમની આગતા-સ્વાગતા કરતા.
ગરબામાં રોજ રોતા હજારોની જનમેદની થતી છતાંય કોઇ અવ્યવસ્થા, બબાલ કે માથાકુટ જોવા મળતી નહોતી.પોલીસ બંદોબસ્તની પણ જરૂર નહોતી રહેતી,આયોજનો જ એટલા સરસ થતા કે પોલીસ પરમિશન લેવાની પણ માથાકુટ નહોતી રહેતી. સમય જતા આ વિસ્તારમાં ઔદ્યોગિક વસાહતો ઉભી થઇ, વસતી વધતી ગઇ, કોમન પ્લોટ સાંકળા અને દબાણયુક્ત થતા ગયા તેના કારણે સમયાંતરે માહોલ બગડતો ગયો.
વર્ષ ૨૦૦૧ પછી તો ગરબા યોજવા માટે પોલીસ બંદોબસ્ત અને પરમિશનો લેવાની નોબત આવી ગઇ. આ સ્થિતિમાં આયોજકો પણ ખસી ગયા અને કઠવાડા ઇન્દિરા વસાહતના ગરબા જ બંધ થઇ ગયા. હાલમાં નાના પાયે ગરબા યોજાય છે પરંતુ પહેલા જેવો માહોલ જોવા મળતો નથી.
પૂર્વમાં કઠવાડા ઉપરાંત ઓઢવ ગામ, નિકોલ ગામમાં ખોડિયાર માતાના મંદિરે, વિરાટનગરમાં હીરાનગર ખાતે, બાપુનગરમાં હરદાસનગર, સૈજપુરમાં સૈજપુર ટાવર પાસે, આદીનાથ નગર ખાતે, નરોડા ગામમાં અને ઓઢવ રબારી વસાહત ખાતે રણછોડરાયજીના મંદિર ખાતે મોટાપાયે સામુહિક ગરબા યોજાતા, કોઇ વાડા બંધી નહીં, કોઇ રોકટોક નહીં, ગમે ત્યાનો રહેવાસી ગમે ત્યાં જઇને બેરોકટોક ગરબામાં જોડાઇ શકે. પોલીસની જગ્યાએ સ્વયંમસેવકો આયોજનમાં ઉભા રહી જતા, મોટાપાયે સામુહિક પણે થતા ગરબામાં ખેલૈયાઓને ચા-પાણી કે નાસ્તાની કોઇ જરૂર જ નહોતી રહેતી. ફક્ત ગરબે ઘુમવું , માતાની આરાધના કરવી અને ગરબા માણવા તેમાં જ આનંદ ઉઠાવતા, આરતી સમયે લગભગ તમામ લોકો હાજર રહેતા હતા.
અઢી દાયકા પહેલાનો નવરાત્રિનો આ માહોલ હતો. હવે વર્ષ ૨૦૨૧માં નવરાત્રિનો આખો માહોલ, રંગરૂપ બદલાઇ ગયા છે. રાતના ૧૨ વાગ્યા સુધી જ ગરબા યોજવા,પરમિશનો લેવી, શેરી ગરબાને બદલે પાર્ટી પ્લોટ , ક્લબમાં પૈસા ખર્ચીને ગરબા રમવા જવું, નવરાત્રિ માટે ઘરદીઠ ઉઘરાણા કરવા, બીજી સોસાયટીના રહીશો, મહેમાનોને પણ પ્રવેશ ન આપવા જેવું સંકુચિત મન કરી લેવું, ગરબા પછી ચા-પાણી, નાસ્તા તો ખરા જ! હાલ સામુહિક ગરબા યોજાતા નથી. સોસાયટી, ફ્લેટ કે ચાલી પુરતા જ સિમિત બની ગયા છે.