વેક્સિન સેન્ટર પર ધાંધિયાઃ 1 કલાક બાદ સિનિયર સિટિઝનોને કહ્યું,તમારૃં રજિસ્ટ્રેશન નથી
વડોદરાઃ વેક્સિન દરમિયાન એક વેક્સિન સેન્ટર પર આજે ૫૦ થી વધુ સિનિયર સિટિઝનો ધોમધખતા તાપમાં વેક્સિન લીધા વગર પરત ફર્યા હતા.
કોર્પોરેશન દ્વારા કોરોનાની વેક્સિન લેવા માટે લોકોને અપીલ કરવામાં આવી રહી છે અને બીજીતરફ વેક્સિન સેન્ટરો પર લોકોને વરવા અનુભવ થઇ રહ્યા છે.વડસર વિસ્તારના જય અંબે સ્કૂલ ખાતે ચાલતા વેક્સિન સેન્ટરમાં આજે સિનિયર સિટિઝનોને આવો જ અનુભવ થયો હતો.
પોલીસ વિભાગમાંથી નિવૃત્ત થયેલા એક સિનિયર સિટિઝને કહ્યું હતું કે,અમે ૫૦ થી વધુ લોકો એક કલાક સુધી વેઇટિંગમાં હતા.કેટલાક લોકોને વેક્સિન આપી દીધા બાદ સ્ટાફ પાસે કોઇ ખાસ કામ રહ્યું નહતું.આમ છતાં અમોને વેક્સિન આપવામાં આવી નહતી.એક હેલ્થ વર્કરને પૂછતાં તેણે કહ્યું હતું કે,વેક્સિન માટે તમે રજિસ્ટ્રેશન કર્યું નથી એટલે વેક્સિન નહીં અપાય.હકિકતમાં કોઇને પણ રજિસ્ટ્રેશનની જાણ જ નથી.બીજા સેન્ટરો પર આવો કોઇ આગ્રહ પણ રાખવામાં આવતો નથી.