અમદાવાદ,02 જુન 2020 મંગળવાર
કેન્દ્ર સરકારની ગાઈડલાઈન મુજબ કોરોનાની હાલની અંતર્ગત 30 જુન સુધી સ્કૂલો-કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રાખવાનું છે પરંતુ ગુજરાત શિક્ષણ બોર્ડના એકેડમિક કેલેન્ડર મુજબ રાજ્યની તમામ સ્કૂલોમાં 7મી જુને ઉનાળુ વેકેશન પૂર્ણ થઈ રહ્યુ છે ત્યારે સરકારે 8મી જુનથી ક્યાં સુધી વેકેશન લંબાશે તેને લઈને હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી અને જાહેરાત કરી નથી.જેને લઈને સ્કૂલો-વાલીઓમાં મુંઝવણ છે.
કેન્દ્ર સરકારે લોકડાઉન ચાર બાદ જ્યાં તમામ છુટછાટોમાં હજુ સ્કૂલો-કોલેજોમાં શિક્ષણકાર્યને મંજૂરી આપી નથી તબક્કાવાર અનલોકમાં બીજા તબક્કામાં જુન બાદ સ્કૂલો-કોલેજોમાં શિક્ષણકાર્ય શરૂ કરવા જે તે રાજ્ય સરકારને છુટ આપી છે અને રાજ્યો સરકારો પર નિર્ણય છોડયો છે.જેથી હવે ગુજરાતમાં સ્કૂલોમાં ક્યારથી શિક્ષણ કાર્ય શરૂ કરવુ અને ઉનાળુ વેકેશન ક્યાં સુધી લંબાવવુ તે સહિતનો નિર્ણય સરકારે જાહેર કરવો પડે તેમ છે.પરંતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ તરફથી હજુ સુધી કોઈ ઠરાવ કે જાહેરાત થયા નથી.
ગુજરાત બોર્ડના એકેડમિક કેલેન્ડર મુજબ રાબેતામુજબનું ઉનાળુ વેકેશન 7મી જુને પુરુ થઈ રહ્યુ છે પરંતુ કોરોનાને પગલે 8મી જુનથી ઉનાળુ વેકેશન એકથી દોઢ મહિનો લંબાવવુ પડે તેમ છે પરંતુ ખરેખર ક્યાં સુધી લંબાશે ,નવુ શૈક્ષણિક સત્ર ક્યારથી ગણવુ, 2020-21નું એકેડમિક કેલેન્ડર અને સ્કૂલોએ હવે શિક્ષણકાર્ય બગડે નહી તેમજ શિક્ષણના દિવસો ખુટે નહી તે માટે નવા સત્રમાં શું શું કરવુ તે સહિતના તમામ મુદ્દે હજુ કોઈ સ્પષ્ટતા કાગળ પર થઈ નથી.જેથી સ્કૂલો અને વાલીઓમાં પણ મુંઝવણ છે આ ઉપરાંત આરટીઈની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા પણ હજુ સુધી શરૂ ન થઈ હોઈ ધો.1ના આરટીઈ હેઠળ પ્રવેશ લેવા માંગતા હજારો વિદ્યાર્થીઓના વાલીઓ પણ મુંઝવણમાં છે.


