કેવડિયામાં કેસુડાના ફૂલોની ચાદર છવાતા માહોલ મનમોહક બન્યો
- કેવડિયામાં કેસુડાના આશરે 65 હજાર વૃક્ષ છે
વડોદરા,તા.17 માર્ચ 2023,શુક્રવાર
સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયા વિસ્તારમાં કેસુડાના આશરે 65000 વૃક્ષ છે. ફાગણ મહિનામાં હાલ આ વિસ્તારમાં કેસુડાના ફૂલોની ચાદર છવાઈ ગયેલી જોવા મળી રહી છે. કેસુડાના ફૂલથી લથબથ વિંધ્યાચલની પર્વત માળાના પૂર્ણબિંદુ એવા કેવડિયા ખાતે ખાખરાના વૃક્ષો ઉપર લાગેલો કેસુડો મનમોહક બન્યો છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવતા પ્રવાસીઓ પણ આટલી મોટી સંખ્યામાં ખીલેલા કેસુડાને જોઈને ચકીત બને છે. મનોવિજ્ઞાન કહે છે, કેસરી રંગથી આત્મ વિશ્વાસ વધે છે. આ ઉપરાંત વનરાઇનો લીલો રંગ માનસિક રીતે હિલિંગ કરે છે અને આનંદમાં વૃદ્ધિ કરે છે. આ બન્ને રંગની સોબત કેસુડામાં જોવા મળે છે. વિંધ્યાચલની પર્વત માળાની વનરાઇએ જાણે કેસરી ચુંદડી ઓઢી હોય તેવું લાગે છે.