સીટીએમ બ્રિજ નીચે બેરિકેડ મૂકી રામોલ-હાટકેશ્વર તરફનો રસ્તો બંધ કરાયો
- વાહનચાલકોએ હવે ફરજિયાતપણે ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડશે
- નેશનલ હાઇવે 8 ઉપર ટ્રાફિકજામની સમસ્યા હવે હળવી થશે,નરોડાથી નારોલનો વાહનવ્યવહાર સરળ બનશે
અમદાવાદ,તા.26 નવેમ્બર 2021, શુક્રવાર
સીટીએમ બ્રિજની નીચે હાટકેશ્વરથી રામોલ તરફ જવાના રસ્તે નેશનલ હાઇવે ૮ ને સમાંતર બેરિકેડ મૂકીને પોલીસે વાહનચાલકોની અવર-જવરનો રસ્તો સંપૂર્ણ બંધ કરી દીધો છે. હાટકેશ્વરથી રામોલ જવા માટે વાહનચાલકોને ફરજિયાતપણે ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવો પડશે. બ્રિજની નીચે ટ્રાફિકજામની સમસ્યા ઉકેલાય તે માટે આ પગલું ભરાયું હોવાનું જાણવા મળે છે.
આજે શુક્રવારે પોલીસતંત્ર દ્વારા સીટીએમ બ્રિજ નીચે એકાએક બેરિકેડ ગોઢવીને નેશનલ હાઇવે ૮ ક્રોસ કરીને રામોલ-હાટકેશ્વર તરફ જતો રસ્તો બંધ કરી દેતા વાહનચાલકો મુંઝાયા હતા. જોકે આ નેશનલ હાઇવે ૮ પર ટ્રાફિકનું અતિભારણ હોવાના કારણે ઉપરોક્ત નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળે છે.
રામોલથી હાટકેશ્વર તરફ જવા માંગતા વાહનચાલકો માટે ઓવરબ્રિજ બનાવાયેલો જ છે. હવે વાહનચાલકોએ ફરજિયાતપણે આ બ્રિજનો ઉપયોગ કરવાનો રહેશે. સીટીએમ ચાર રસ્તા પર ટ્રાફિકના ભારણને લઇને બે ડબલ ડેક્કર બ્રિજ બનાવાયા છે. એક બ્રિજ હાટકેશ્વરથી રામોલ તરફ જાય છે અને બીજો બ્રિજ હાટકેશ્વરથી અમદાવાદ-બરોડા એક્સપ્રેસ હાઇવે સુધી જાય છે.
બંને બ્રિજ બન્યા હોવા છતાંય બ્રિજનો ઉપયોગ વાહનચાલકો કરતા નથી બ્રિજ નીચેથી જ નીકળી જવાનું વધુ પસંદ કરતા હોવાથી ટ્રાફિકજામ થાય છે. લોકો ઓવરબ્રિજનો ઉપયોગ કરે અને ટ્રાફિકજામથી મુક્તિ મેળવે તે હેતુંથી આજે શુક્રવારે સીટીએમ બ્રિજ નીચે નેશનલ હાઇવેને સામાંતર બેરિકેડ લગાવીને રસ્તો બંધ કરાયો છે. જોકે તેનાથી વાહનચાલકોને કોઇ મુશ્કેલ પડવાની નથી, વાહનચાલકોએ તો ફક્ત ઓવરબ્રિજનો જ ઉપયોગ કરવાનો રહેશે.