Get The App

મેનપુરાથી બાલાસિનોર સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં

Updated: Nov 15th, 2024

GS TEAM

Google News
Google News
મેનપુરાથી બાલાસિનોર સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં 1 - image

અમદાવાદ-ગોધરા નેશનલ હાઈવે પર

મસમોટા ખાડાઓના લીધે વાહન ચાલકોને હાલાકી  તંત્રને ટોલ ટેક્સ વસૂલવામાં જ રસ હોવાના આક્ષેપ

સેવાલિયા: અમદાવાદ-ગોધરા નેશનલ હાઈવે પર મેનપુરાથી બાલાસિનોર સુધીનો રસ્તો અતિ બિસ્માર હાલતમાં ફેરવાયો છે. મસમોટા ખાડાઓના કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હોવા છતાં તંત્રને માત્ર ટોલ ટેક્સ વસૂલવામાં રસ હોવાના આક્ષેપો વાહન ચાલકોએ લગાવ્યા હતા. તેમજ સત્વરે રસ્તાનું સમારકામ કરાવવાની માંગ કરી હતી.

અમદાવાદ-ગોધરા નેશનલ હાઈવે પર મેનપુરાથી બાલાસિનોર સુધીના ૮થી ૧૦ કિલોમીટરના રસ્તા પર મસ મોટા ખાડા પડી ગયા છે. અમદાવાદથી મધ્યપ્રદેશને જોડતો મુખ્ય હાઈવે જ બિસ્માર હાલતમાં હોવાથી નાના-મોટા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. 

ખાડાઓ ઉપરાંત રોડ પર ઘીસીઓ પડી જવાના કારણે અવારનવાર ટુવ્હીલર ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે. થોડા સમય પહેલા ટુવ્હીલર લઈને જઈ રહેલા બેંક મેનેજરનો અકસ્માત થતાં તેમનું મોત નિપજ્યું હતું. તંત્ર દ્વારા ભારે રકમનો ટોલ ટેક્સ વસૂલવામાં આવે છે પરંતુ ખાડા પુરવામાં આવતા નથી કે રોડની કોઈપણ મરામત કરવામાં આવતી ન હોવાના અને કોન્ટ્રાક્ટરને લાખોની કમાણીમાં જ રસ હોવાના આક્ષેપ વાહન ચાલકોએ લગાવ્યા હતા. ત્યારે રસ્તાનું સત્વરે સમારકામ કરવામાં આવે અને વાહન ચાલકો દ્વારા જે ટોલટેક્સ ભરવામાં આવે છે તેનું વળતર ચૂકવવામાં આવે તેવી વાહન ચાલકોની માંગ છે.