હીરાવાડી ચાર રસ્તા કાલુપુર તરફનો રોડ બિસ્માર હાલતમાં
- રજૂઆતો છતાંય મ્યુનિ.તંત્ર ધ્યાન આપતું નથી
- ચોમાસામાં પાણી ભરાવાની સ્થિતિમાં લોકોની મુશ્કેલીઓ વધી જશે
અમદાવાદ,તા.31 મે 2021,સોમવાર
ઇન્ડિયા કોલોની વોર્ડમાં હીરાવાડી( સુહાના) ચાર રસ્તાતી વોરોના રોજા તરફનો રોડ બિસ્માર હાલતમાં છે. ચોમાસું માથે છે ત્યારે લોકોને પાણી ભરાવાની સ્થિતિમાં વધુ મુશ્કેલી વેઠવી પડશે. રોડ પર મોટા ખાડા હોવાથી અકસ્માત થવાનો પણ ભય રહેલો છે. વરસાદ પહેલા આ રોડનું મરામત કામ હાથ ધરવામાં આવે તેવી માંગણી ઉઠવા પામી છે.
ઉત્તર ઝોનની મ્યુનિ.કચેરીમાં આ મામલે લેખિતમાં રજૂઆતો પણ કરાઇ હોવા છતાંય પ્રજાના આ પ્રશ્ન સામે મ્યુનિ.તંત્ર બિલકુલ ધ્યાન આપી રહ્યું ન હોવાનું રહીશોનું માનવું છે. આ અંગે ઉત્તર ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિ.કમિશનરને લેખિતમાં રજૂઆત કરનાર ભુપેન્દ્ર વી રાઠોડના જણાવ્યા મુજબ તેઓએ ગત તા.૧૧-૯-૨૦૨૦ના રોજ એટલેકે ૯ માસ પહેલા પણ રજૂઆત લેખિતમાં કરી હતી. તેમ છતાંય આ રોડનું મરામતનું કામ હાથ ધરાયું નથી.
આ રસ્તો કાલુપુરને જોડતો રસ્તો હોવાથી વાહનોની ભારે અને સતત અવર-જવર રહેતી હોય છે. ચોમાસા દરમિયાન આ રોડ પર દોઢેક ફૂટ જેટલું પાણી ભરાઇ જતું હોય છે. તેથી અહીંયાથી વાહનો લઇને નીકળવું પણ મુશ્કેલ બને છે તેવામાં જો રોડ તૂટેલો અને ખાડાવાળો હશે તો ટુ - વ્હિલર ચાલક ખાડામાં પટકાવાથી તેને ગંભીર ઇજા થવાની પુરેપુરી સંભાવના રહેલી છે.
લોકોના હિતમાં આ રોડનું સત્વરે મરામત કામ હાથ ધરવામાં આવે તેવી માંગણી સ્થાનિક રહીશો કરી રહ્યા છે. નોંદપાત્ર છેકે આ રોડ પર ભૂતકાળમાં પણ અવારનવાર અકસ્માતનો થયેલા છે. સ્થાનિક કોર્પોરેટરો આ મામલે ઉંડો રસ લઇને જનતાના પ્રશ્ને તંત્રમાં રજૂઆત કરે અને તેનો ઉકેલ લાવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.