Get The App

નરેન્દ્ર મોદીનું સી-પ્લેન આવે તે પહેલાં રિવરફ્રન્ટ બંધ થશે

- સાબરમતી નદીમાં બોટથી બંદોબસ્ત

- સરદાર બ્રિજ અને ચંદ્રનગર બ્રિજ વચ્ચેના પોર્ટ પર ઉતરી એરપોર્ટ જશે : 2000 પોલીસ ગોઠવાશે

Updated: Oct 28th, 2020

GS TEAM

Google News
Google News
નરેન્દ્ર મોદીનું સી-પ્લેન આવે તે પહેલાં રિવરફ્રન્ટ બંધ થશે 1 - image


અમદાવાદ,તા.28 ઓકટોબર 2020, બુધવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. ૩૧ને શનિવારે સી-પ્લેનથી અમદાવાદ આવશે. કેવડિયા કોલોનીથી સી-પ્લેન સાબરમતી નદીમાં લેન્ડ થશે. સરદારબ્રિજ અને ચંદ્રનગર બ્રિજ વચ્ચેના પોર્ટ ઉતરી વડાપ્રધાન સીધાં જ અમદાવાદ એરપોર્ટ જશે. તા. ૩૧ની સવારથી જ રિવરફ્રન્ટનો રસ્તો અને બન્ને બ્રિજ લોકો માટે બંધ કરવામાં આવશે. કુલ ૨૦૦૦ પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સી-પ્લેનના લોકાર્પણ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી માટે તા. ૩૦ અને ૩૧ના ગુજરાત આવી રહ્યાં છે. તા. ૩૧ના રોજ કેવડિયા કોલોનીથી વડાપ્રધાન મોદી સી-પ્લેનમાં બેસી અમદાવાદ આવશે.  સરદાર બ્રિજ અને ચંદ્રનગર બ્રિજ વચ્ચે નદીમાં સી-પ્લેન લેન્ડ થશે. આ બે બ્રિજ વચ્ચે બનાવાયેલા પોર્ટ પર ઉતરીને વડાપ્રધાન સીધા જ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે અને ત્યાંથી દિલ્હી રવાના થવાનાં છે.

વડાપ્રધાનના અમદાવાદ ખાતે કોઈ કાર્યક્રમ નથી. પરંતુ, પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. કુલ ૨૦૦૦ પોલીસ કર્મચારીનો સજજડ બંદોબસ્ત ગોઠવાયો છે અને તા. ૩૦ની વહેલી સવારથી શહેર પોલીસના ૧૦૦૦૦ જવાનો સ્ટેન્ડ-ટુ રાખવામાં આવશે. સલામતીના ભાગરુપે રિવરફ્રન્ટ બંધ રાખવામાં આવશે. ફાયરબ્રિગેડની ચાર બોટમાં એસ.પી.જી., ફાયર લાશ્કરો, પોલીસ અને આઈ.બી.ની ટીમ સુરક્ષા વ્યવસ્થામાં ગોઠવાશે. ફાયરબ્રિગેડની ચાર બોટ બે બ્રિજ વચ્ચે કોર્નર પર રહેશે અને જરુર પડશે તો ત્વરિત મદદે પહોંચી જશે. રિવરફ્રન્ટ આસપાસના બહુમાળી બિલ્ડીંગોના ધાબા પરથી પોલીસ વોચ રાખશે.

Tags :