નરોડાથી હાથીજણ સર્કલ સુધીનો રિંગરોડ અવ્યવસ્થા, ટ્રાફિકજામથી ભરપુર
- દબાણો, આડેધડ પાર્કિંગ, ખોદકામ, તૂટેલા સર્વિસ રોડથી હાલાકી
- તમામ ચાર રસ્તાએ ચક્કાજામ થાય છે, ચોમાસામાં વરસાદી પાણી ભરાતા સર્વિસ રોડ પાણીમાં ડૂબે છે!
અમદાવાદ,તા.31 જુલાઇ 2021, શનિવાર
પૂર્વ અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ટ્રાફિકજામની સમસ્યા અતિગંભીર બની ગઇ છે. રોડની બંને સાઇડમાં આડેધડ કરવામાં આવતા પાર્કિંગ, દબાણ, ખાણીપીણી બજારોના અડિંગા, આડેધડ ખોદકામ, સર્વિસ રોડ પર અમસ્તા જ પડી જતા ભૂવાઓના કારણે વાહનચાલકોએ આ રોડ પરથી પસાર થવું ભારે હાલાકીભર્યું બની ગયું છે. નરોડાથી લઇને છેક હાથીજણ સર્કલ સુધીના રિંગરોડના બંને પટ્ટા પર ટ્રાફિક સમસ્યા ગંભીરતમ બની રહી છે.
રિંગ રોડ પર ટ્રાફિકની સમસ્યા ઉકેલવા માટે, હળવી કરવા માટે નરોડા સર્કલ, દહેગામ સર્કલ,રણાસર સર્કલ પર ત્રણ ઓવરબ્રિજ બનાવવાની કામગીરી છેલ્લા ત્રણેક વર્ષોથી ચાલી રહી છે. આ બ્રિજના નિર્માણનું કામ હજુ સુધી પુરૂ કરવામાં આવ્યું નથી. જેના કારણે આ ત્રણેય સર્કલ પર ટ્રાફિકજામ ખાસ કરીને ચોમાસા દરમિયાન વધી ગયો છે.
નરોડાથી હિંમતનગર જતા વાહનો, દહેગામ સર્કલથી દહેગામ તરફ જતા વાહનોના અતિભારે ધસારાને લીધે બંને સર્કલ પર ચક્કાજામ સામાન્ય બાબત બની રહી છે. વળી રિંગરોડ પર બંને તરફનો વાહનવ્યવહાર તો ખરો જ . તૂટેલા સર્વિસ રોડ, સર્વિસ રોડ પર ખાણીપીણીની લારીઓના દબાણો, સેકન્ડ હેન્ડ કાર વેચનારા વેપારીઓએ તો છેક રોડ પર જ ગાડીઓ મૂકી દીધી છે. જેના કારણે આખો સર્વિસ રોડ દબાણમાં જતો રહ્યો છે.
રિંગ રોડ પર સ્ટ્રોમ વોટર લાઇનનું ચાલતું કામકાજ, ગટર લાઇન નાંખવાની કામગીરી પણ ટ્રાફિકજામ માટે કારણભૂત બની રહી છે. ગેરેજોવાળાના દબાણો પણ એટલા બધા થઇ ગયા છેકે સર્વિસ રોડ પરથી સામાન્ય વાહનચાલકે કે રાહદારીએ સરળતાથી નીકળવું મુશ્કેલ બન્યું છે. ચોમાસામાં તૂટેલા સર્વિસ રોડ, કાદવ-કિચડ અને ભરાયેલા વરસાદી પાણી લોકોની હાલાકીમાં ભારે વધારો કરી રહ્યા છે.
ટ્રકોના ગેરકાયદે પાર્કિંગની સમસ્યા પણ વધી છે. રિંગ રોડ પર તમામ ચાર રસ્તા આખો દિવસ ચક્કાજામમાં ફસાયેલા રહે છે. ઓઢવ સર્કલ, વસ્ત્રાલ પાંજરાપોળ સર્કલ, નિકોલ સર્કલ, વસ્ત્રાલ મેટ્રો બ્રિજ સર્કલ, હાથીજણ સર્કલ ચાર રસ્તા ટ્રાફિકજામના કેન્દ્રબિંદુ બની ગયા છે. કેટલાક દિવસોમાં તો એક કિ.મી.સુધી લાંબી લાઇનો લાગી જાય છે. કલાકો સુધી ચક્કાજામમાં વાહનચાલકો ફસાયેલા રહે છે.
ટ્રાફિક પોલીસના અભાવ વચ્ચે ટ્રાફિક પોલીસ ટ્રાફિક નિયમનની કામગીરીને પ્રાથમિકતા આપવાને બદલે પરપ્રાતિંય ગાડીઓને રોકીને તોડ કરવામાં વધારે રસ દાખવતા હોવાની ફરિયાદો ઉઠી છે. સરદાર પટેલ રિંગ રોડ અવ્યવસ્થાઓ વચ્ચે વાહનચાલકો માટે સુવિધાને બદલે દુવિધા વધારનારો બની ગયો છે.