Get The App

ખાનગી એજન્સીને ફાયદો કરી આપવાની મકાનો ભાડે આપવાની દરખાસ્ત ફરી વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ

Updated: Apr 19th, 2023

GS TEAM

Google News
Google News
ખાનગી એજન્સીને ફાયદો કરી આપવાની મકાનો ભાડે આપવાની દરખાસ્ત ફરી  વડોદરા કોર્પોરેશનની સ્થાયી સમિતિમાં રજૂ થતા વિવાદ 1 - image

વડોદરા,તા.19 એપ્રિલ 2023,બુધવાર

કેન્દ્ર સરકારની એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષની ગાઈડલાઈન મુજબ વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારમાં આવેલ 748 આવાસોનો તે યોજનામાં સમાવેશ કરી ભાડેથી આપવા માટે સૌથી વધુ પ્રીમિયમ ભરનાર એજન્સીના 20.72 કરોડ ઉપરાંતના ભાવ પત્રક રજૂ થતાં વીવાદ થયો છે.

કોરોના મહામારીમાં શહેરમાં રોજગાર અર્થે આવતી વ્યક્તિઓ કોરોનામાં સંક્રમિત થવાની સાથે તેમના રહેવા માટેનો પ્રશ્ન વિકટ બન્યો હતો. ભવિષ્યમાં આ પ્રકારે પરિસ્થિતિ ન ઉદ્ભવે અને પરપ્રાંતિય લોકોને સસ્તા ભાડે સારા આવાસો મળી રહે તે હેતુથી કેન્દ્ર સરકારના આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સની યોજના પ્રસિદ્ધ કરવામાં આવી હતી. જે નીતિના અમલીકરણ માટે પાલિકાની સ્થાયી સમિતિ અને સામાન્ય સભાએ મંજૂરી આપી છે. જેમાં શ્રમિક, ગરીબ, રીક્ષા ચાલક, સર્વિસ પ્રોવાઇડર, લાંબા ગાળાના પ્રવાસી, વિદ્યાર્થીઓ અથવા આ કેટેગરીમાં આવતા તમામ લાભાર્થીઓ માટે આવાસો ફાળવવાનું આયોજન છે. સયાજીપુરા ખાતે 560, હરણી ખાતે 52 અને છાણી ખાતે 136 મળી કુલ 748 આવાસો બનશે. આ આવાસોને એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પલેક્ષની ગાઈડ લાઈન મુજબ સમાવિષ્ટ કરી એજન્સી નિયુક્ત કરવા માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં બીજા તબક્કે બે ઇજારદારોએ રસ દાખવતા બંને કવોલીફાય થયા હતા. જેમાં ઇરિના હોસ્પિટાલીટી પ્રાઇવેટ લિમિટેડનું રૂ.13,76,55,882 અને શ્રીપદ કોનકેમ પ્રાઇવેટ લિમિટેડનું રૂ.7,43,26,966નું ભાવપત્રક રજૂ થયું હતું. આમ, ઈરીના દ્વારા 25 વર્ષ સુધીનું 13.76 કરોડનું હાઈએસ્ટ પ્રીમિયમ ભરવામાં આવ્યું હતું. નેગોસીએશન બાદ એજન્સી દ્વારા રૂ.20,72,05,642 નું પ્રીમિયમ ભરવા તૈયારી દર્શાવી છે. આ રકમ ઉપર જીએસટી રકમની જવાબદારી એજન્સીની રહેશે તેવી સ્પષ્ટતા થઈ છે.

Tags :