Get The App

મ્યુનિ. શાળામાં બાળકોને અભ્યાસ કરાવનાર આચાર્યને સસ્પેન્ડ કરાયા

- ગરીબ બાળકોને શિક્ષિત કરનારને પાણીચુ પકડાવાયું

- ગરીબ,સામાન્ય વર્ગના બાળકોને શીખવનારા શિક્ષકોને પ્રોત્સાહીત કરવાના બદલે ચેરમેને કાર્યવાહી કરાવડાવી

Updated: Jul 28th, 2020

GS TEAM

Google News
Google News
મ્યુનિ. શાળામાં બાળકોને અભ્યાસ કરાવનાર આચાર્યને સસ્પેન્ડ કરાયા 1 - image


અમદાવાદ, તા. 28 જુલાઇ, 2020, મંગળવાર

કોરોના મહામારીમાં પણ મ્યુનિ.શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો શિક્ષિત થાય એ માટેના પ્રયાસ કરનારા મ્યુનિ.શાળાના આચાર્યને પ્રોત્સાહીત કરવાને બદલે કેટલાક લોકોને ગરીબ બાળકોનું વર્ષ ન બગડે એ માટે મ્યુનિ.શાળાના સ્ટાફ દ્વારા કરવામાં આવેલા પ્રયાસો ખુંચતા થયેલા વિવાદ બાદ સ્કૂલબોર્ડ દ્વારા સસ્પેન્ડ કરાયા છે.જયારે અન્ય ચાર શિક્ષકોનેે કારણદર્શક નોટિસ આપી ખુલાસો માંગવામાં આવતા ગરીબ બાળકોને મળતા શિક્ષણના ભવિષ્યને  લઈ ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.

મળતી માહીતી પ્રમાણે,રાજય સરકાર દ્વારા તૈયાર કરવામાં આવેલા એકમ કસોટીના પ્રશ્નપત્ર અને ઉત્તરવાહીનીઓનું મ્યુનિ.શાળાના શિક્ષકોને વિદ્યાર્થીઓના ઘેર જઈને વિતરણ કરવાની સ્કૂલબોર્ડ તરફથી તમામ શાળાના આચાર્યો અને શિક્ષકોને સુચના આપવામાં આવી હતી.

આમછતાં ગુલબાઈ ટેકરા વિસ્તારમાં આવેલી એલિસબ્રીજ શાળા નંબર-સાત,આઠમાં ધોરણ-1થી 6ના 40થી વધુ બાળકોને શાળાના આચાર્ય તેમજ શિક્ષકો દ્વારા શાળામાં બોલાવીને તેમને કેવી રીતે એકમ કસોટીમાં આપવામાં આવેલા પ્રશ્નોના જવાબ લખવા એ શીખવવામાં આવી રહ્યુ હતુ.

આ સમયે કેટલાક લોકોને ગરીબ અને સામાન્ય વર્ગના બાળકો  શિક્ષણ મેળવે એ ન ગમતા આખી કાર્યવાહીનો વિડીયો ઉતારી વાઈરલ કર્યો હતો. વિડીયો વાઈરલ થયા બાદ સ્કૂલબોર્ડના ચેરમેન ધીરેન્દ્ર તોમરે પણ ઘટના પાછળના હાર્દને જાણવાના બદલે તપાસના આદેશ આપ્યા હતા.જેના પગલે આચાર્ય ને સસ્પેન્ડ કરવાનો અને અન્ય ચાર શિક્ષિકાઓને શો-કોઝ નોટિસ આપી ખુલાસો માંગવાનો નિર્ણય લેવાયો હતો.કોરોના મહામારીનો કયારે અંત આવે એ નિશ્ચિત નથી.

આ સંજોગોમાં બાળકોને શાળામાં એકમ કસોટીના પ્રશ્નોના જવાબ કેવી રીતે લખવા એ શીખવવાની સજા શાળાના આચાર્ય અને શિક્ષકોને આપવાને પગલે શિક્ષકોમાં પણ બાળકોને અભ્યાસ કરાવવાના મનોબળ ઉપર અસર થશે.આ એજ શિક્ષકો છે જે કોરોના સંક્રમણની વચ્ચે હેલ્પ ડેસ્ક સહીત બાળકોના ઘેર પ્રશ્નપત્ર અને ઉત્તરવાહીની પહોંચાડી તેમને શિક્ષિત કરવવાની કપરી કામગીરી કરી રહ્યા છે.

ઘટના બાદ શાસનાધિકારીએ રૂબરૂ બોલાવતા શાળાના શિક્ષકોએ પણ પરીક્ષા લીધી ન હોવાનો મૌખિક ખુલાસો કર્યો છે.મહામારીને લગતા નિયમો રાજકારણીઓનેે ઉત્સવો કે ઉદ્દઘાટન સહીતના કાર્યક્રમો પાછળ લાગુ પડતા નથી એવા સંજોગોમાં ગરીબ બાળકોને શીખવનારા શિક્ષકો સામેે થયેલી કાર્યવાહી સામે પણ અનેક સવાલ થઈ રહ્યા છે.

Tags :