Get The App

અધિકારીઓની આડોડાઇથી ગરીબ લોકોને આવાસોનો લાભ મળતો નથી

Updated: Nov 30th, 2021

GS TEAM

Google News
Google News
અધિકારીઓની આડોડાઇથી ગરીબ લોકોને આવાસોનો લાભ મળતો નથી 1 - image

પ્રધાનમંત્રી આવાસ યોજના : સિક્કાની બીજી બાજુ

લોકો ધક્કા ખાઈને થાકી જાય છે, છતાં નેગેટિવ અભિપ્રાયના કારણે રકમ મંજૂર થતી નહિ હોવાની વ્યાપક ફરિયાદ : ધારાસભ્યોની રજૂઆત છતાં પરિણામ શૂન્ય 

અમદાવાદ : કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાન મંત્રી આવાસ યોજના હેઠળ જે પ્રકારે નવો ફ્લેટ કે મકાન ખરીદવા માટે રૂ. 2.67 લાખની સબસિડી આપવામાં આવે છે તેવી જ રીતે આ યોજના હેઠળ પોતાનું ઘર ધરાવતા લાભાર્થીઓને સરકાર દ્વારા લગભગ રૂ. સાડા ત્રણ લાખ રૂપિયાની રકમ જે તે હયાત મકાનને નવું બનાવવા માટે આપવામાં આવે છે.

પરંતુ તેના માટે કેટલાક જરૂરી દ્સ્તાવેજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મેળવીને રજૂ કરવાના હોય છે. જે સમયસર અને હકારાત્મક રીતે મળતા નહી હોવાથી લાભાર્થીઓ આ યોજનાથી વંચિત બની રહ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર હાઉસિગ પ્રોજેક્ટની દેખરેખ હેઠળ આ પ્રોજેકટ ચાલી રહ્યો છે. જેમાં અમદાવાદ સિવાયના રાજકોટ, વડોદરા, સુરત વગેરે શહેરોમાં આ પ્રોજેક્ટને ઘણો જ સારો આવકાર મળ્યો છે અને ખૂબ જ ઉત્તમ કામગીરી થઈ  રહી છે?

પરંતુ લાભાર્થીઓની ફરિયાદ મુજબ 125 ચોરસ મીટરનો ઘરથાળનો પ્લોટ ધરાવનાર વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે. જેના માટે સરકારે ઠરાવ કરેલો હોવાથી કોઈ વિકાસ પરવાનગી મેળવવાની પણ કોઈ જરૂર રહેતી નથી. પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રોડ લાઇનમાં આવતા મકાનો માટે આ પ્રકારની મંજૂરી આપવામાં આવતી નથી.

જ્યારે લાભાર્થીઓનું કહેવું એવું છે કે, એક કે બે ફૂટ જેટલું મકાન લાઇન દોરીમાં જતું હોય તો અમે એટલા પાછળ હટી જવા માટે તૈયાર જ હોઈએ છીએ છતાં મંજૂરી આપવામાં આવતી નથી. એક જ રોડ ઉપર આવતા આવા મોટાભાગના મકાનોમાં આવી એક જ સમસ્યાના કારણે સમગ્ર વિસ્તારના લોકો લાભથી વંચિત રહી જાય છે.

આ યોજનાના લાભાર્થીઓને દોઢ લાખ રૂપિયા કેન્દ્ર સરકાર તરફથી અને રાજય  સરકાર તરફથી રૂ. બે લાખની મળીને કુલ રૂ. સાડા ત્રણ લાખની સહાય કરવામાં આવે છે. તે જો સમયસર મળી રહે તો અમદાવાદ શહેરના હજારો જૂના અને જર્જરિત મકાનોના જીર્ણોધ્ધારનો માર્ગ ખુલ્લો છે. અત્યાર સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ મળીને માત્ર 130 જેટલા લોકોને જ આનો લાભ મળ્યો છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં આવી મંજૂરીનો કોઈ પ્રશ્ન નહિ હોવાથી ત્યાં આ યોજનાનો મહત્તમ લાભ લેવાઈ રહ્યો છે. જેમાં જેમ જેમ મકાન બંધાતુ જાય તેમ તેમ તબક્કાવાર કુલ છ તબક્કે પૈસા ચુક્વવામાં આવે છે. આ ઉપરાંત અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં100થી 300 મીટરની મર્યાદામાં મોન્યુમેંટ ધારો લાગુ પડતો હોવાથી તે પ્રશ્ન પણ કેટલાક સ્થળોએ નડી રહ્યો છે.

જો કે, નવાઈની વાત એ છે કે શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરનારને કોઈ નીતિનિયમ નડતાં નથી જ્યારે સરકારી મદદથી બાંધકામ કરનારને જ આવા પ્રશ્નોનો સામનો કરવો પડી રહ્યો છે. કોટ વિસ્તારના ધારાસભ્યો દ્વારા પણ આ સંદર્ભે રજૂઆત કરવામાં આવી હોવા છતાં તેનો કોઈ નિવેડો આવી શક્યો નથી.