For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

તીડમાં ય રાજકારણ: જીતુ વાઘાણીએ થાળી વગાડી તમાશો કર્યા

- ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા ભાજપ-કોંગ્રેસના ત્રાગા

- સાંતોળ ગામમાં ભાજપ સાંસદ પરબત પટેલ અને કોંગ્રેસી ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત જાહેરમાં બાખડયાં

Updated: Dec 25th, 2019


- ધારાસભ્ય નાથાભાઇ પટેલે ખેતરમાં તેલનો ડબ્બો ખખડાવ્યો, વિશેષ પેકેજ આપવા કોંગ્રેસની માંગણી 

અમદાવાદ, તા. 25 ડિસેમ્બર 2019, બુધવાર

એક બાજુ ભારે વરસાદ અને માવઠાની માર ખાઇને બેઠેલા ખેડૂતોના માથે એક કુદરતી આફત આવી પડી છે.પાકિસ્તાન તરફથી આવેલાં લાખો તીડોના ઝૂડોએ ખેતીને તબાહ કરી દીધી છે જેના કારણે ખેડૂતોને આર્થિક નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.ત્યારે બીજી બાજુ ભાજપ-કોંગ્રેસના નેતાઓએ તીડ મુદ્દે રાજનીતિ તેજ કરી દીધી છે. ખેડૂતોની મુશ્કેલીની ઘડીમાં વૈજ્ઞાાનિક ઢબે નહીં પણ ઢોલ નગારા પીટીને રાજકારણીઓ દેખાડો કરી રહ્યાં છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખેતરોમાં જઇને જયાં તીડનુ નામો નિશાન ન હતું ત્યાં થાળી વગાડીને માત્ર તમાશો કર્યો હતો. સોશિયલ મિડીયામાં વાઘાણીના તમાશાની વિડીયો જોઇ લોકો ઠેકડી ઉડાડી રહ્યાં છે. 

બનાસકાંઠા ઉપરાંત પાટણ,મહેસાણા,સાબરકાંઠા જિલ્લો  તીડોના આક્રમણથી પ્રભાવિત થયાં છે.તીડોએ  કેટલાંય હેક્ટર જમીનમાં એરંડા,જીરૂ,કપાસ,ઘઉં,રાયડાના પાકને નુકશાન પહાચાડયુ છે ત્યારે ખેડૂતોની હાલત દયનીય બની છે. આ પરિસ્થિતીમાં ખેડૂતોની સહાનુભૂતિ મેળવવાના બહાને ભાજપ-કોંગ્રેસમાં રાજકારણ શરૂ થયું છે.

આજે ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ તીડ પ્રભાવિત થરાદ તાલુકાના તખુવા,ભરડાસર અને રાણેશરી ગામની મુલાકાત લીધી હતી. એટલું જ નહીં, ખેતરમાં જઇને જયાં તીડ જ ન હતાં ત્યાં માત્ર થાળી વગાડીને ખેડૂતોના સાથી હોવાનો તમાશો કર્યો હતો.વાઘાણીનો આ રાજકીય ડ્રામા ચર્ચાનો વિષય બન્યો છેકે, જંતુનાશક દવા થકી તીડોનો નાશ કરવાના હોય ત્યાં રાજકારણીઓની થાળી વગાડવાથી ખેડૂતોને શો ફાયદો થવાનો છે.

આ  ઉપરાંત ધાનેરાના ધારાસભ્ય નાથાભાઇ પટેલે પણ ખેતરમાં જઇને માત્ર તેલનો ડબ્બો ખખડાવીને ફોટા પડાવ્યા હતાં. આ તરફ, તીડ પ્રભાવિત વિસ્તારની મુલાકાતે આવેલાં ભાજપના સાંસદ પરબત પટેલ  અને કોેગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત સાતોળ ગામે આમને સામને આવી ગયા હતાં. તીડને કારણે ખેતીને થયેલા નુકશાનનુ વળતર આપવાના મુદ્દે બંને નેતાઓ જાહેરમાં બાખડયા હતાં. એટલું જ નહીં, બંને વચ્ચે શાબ્દિક ટપાટપી જામી હતી. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે તીડના આક્રમણથી ખેતીને નુકશાન પહોંચતા વિશેષ પેકેજ આપવા માંગણી કરી છે.

આમ,તીડોના આતંકથી પરેશાન ખેડૂતો છે ત્યારે ભાજપ-કોંગ્રેસે આવી કુદરતી આફતોમાં ય રાજકારણ શરૂ કર્યુ છે.

Gujarat