વડોદરા નજીક સેવાસીની 545 વર્ષ પૌરાણિક હેરિટેજ વાવની દુર્દશા
- તંત્રની ઉપેક્ષા અને નિષ્કાળજીને કારણે વાવની હાલત બદતર બની
- વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી થઈ રહી છે ત્યારે આવી અદભુત વાવનું સંરક્ષણ જરૂરી
વડોદરા,તા.19 નવેમ્બર 2022,શનિવાર
વર્લ્ડ હેરિટેજ વીકની તારીખ 19 થી શરૂઆત થઈ છે. આ વીકની ઉજવણીમાં કલ્ચરલ અને હેરિટેજ સ્થાપત્ય ની જાળવણી માટે લોકોમાં જાગૃતિ લાવવા અને પ્રોત્સાહિત કરવા પ્રયાસ કરાય છે. વડોદરા નજીક સેવાસી ખાતે ૫૦૦થી વધુ વર્ષ પૌરાણિક હેરિટેજ વાવ તંત્રની નિષ્કાળજી અને ઉપેક્ષા નો ભોગ બની રહી છે. આજથી પાંચ સદી અગાઉ સેવાસી અને નજીકના ગામો માટે પગથિયા વાળી સેવાસી વાવ જીવા દોરી સમાન હતી. આધ્યાત્મિક અગ્રણી વિદ્યાધરની સ્મૃતિમાં આ વાવ રાજા હરિદાસે સંવત 1549 માં નિર્માણ કરાવી હતી .જે તેની કલાત્મક બાંધણીને લીધે લોકોમાં લોકપ્રિય હતી. 545 વર્ષ જૂની આ વાવ કે જે સેવાસી ગામના પ્રવેશ પાસે છે તે તંત્રની નિષ્કાળજી અને ઉપેક્ષા ને લીધે બદતર હાલતમાં મુકાઈ ગઈ છે. જોકે વહીવટી તંત્ર અને આર્કિયોલોજી વિભાગની વિવિધ ટીમો અગાઉ આસ્થળ નિરીક્ષણ કરી ચૂક્યા છે, પરંતુ કાંઈ થયું હોય તેમ લાગતું નથી. એક ગ્રામ જનના કહેવા મુજબ આ વાવ અમારા ગામનું ગૌરવ હતી, અમને હજી પણ યાદ છે કે બાળકો આ વાવ ખાતે રમવા આવતા હતા. આખું વર્ષ વાવમાંથી ગામને પાણી મળી રહેતું હતું.
જોકે હવે વાવના બાંધકામમાં ઘણા સ્થળે પોપડા ઉખડી ગયા છે. ઘણી જગ્યાએ બાંધકામ જર્જરીત થયું છે. અને રીપેરીંગ પણ આવશ્યક થઈ ગયું છે. અંદરના ભાગનું પ્લાસ્ટર ઉખડી ગયું છે. નીચેથી ઈંટો પણ દેખાય છે. અમુક થાંભલાને મજબૂતાઈ કરવાની જરૂર છે. થોડાક દાયકા અગાઉ અંદર 30 ફૂટ વાવ પાણીથી ભરેલી હતી, પરંતુ ભૂગર્ભજળ નીચે ઉતરતા કુદરતી સ્ત્રોત સુકાતા વાવના પાણીના ભંડારને અસર થઈ છે. હાલ આ વાવની દેખરેખ રાખવા માટે કોઈ જોવા મળતું નથી. થોડા વર્ષ અગાઉ તંત્ર દ્વારા આ વાવના જીર્ણોદ્ધાર માટે સળવળાટ શરૂ થયો હતો. પરંતુ બાદમાં કશું થયું ન હતું. સુલતાન મહેમુદ બેગડાના સમયની આ વાવની કોતર કલા પણ અદભુત છે. ગુજરાતની કલાની દ્રષ્ટિએ અતિ સુંદર પૈકી આ એક વાવનું જતન અને જાળવણી કરવાની જરૂર છે. હાલ ત્યાં એક માત્ર રક્ષિત સ્મારક હેઠળનું એક બોર્ડ જોવા મળી રહ્યું છે કે 1965 ના ગુજરાતના પૌરાણિક સ્મારકો અને પુરાતત્વો વિષયક સ્થળો અને અવશેષો અંગેના અધિનિયમ હેઠળ આ રક્ષિત સ્મારક કોઈ બગાડે કે વિકૃત કરે તો દંડ અને ત્રણ માસની સજા થઈ શકે છે .માત્ર આ બોર્ડ લગાવી દેવાથી શું થશે? અંદર જે નુકસાન થઈ ગયું છે તેનું શું તે સવાલ ઉઠ્યો છે.