app-icon
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app{play}
FOLLOW US

વડોદરામાં કરોડોની ઓનલાઇન છેતરપિંડી કરનાર ગેંગનુ બેંક એકાઉન્ટ ખોલાવનાર ઝડપાયો

Updated: Sep 18th, 2023

વડોદરા,તા.18 સપ્ટેમ્બર 2023,સોમવાર 

કરોડો રૂપિયાની ઓનલાઈન છેતરપિંડી કરતી ગેંગ ના વધુ એક સાગરીતને વડોદરા સાયબર સેલે મધ્યપ્રદેશના અંતરિયાળ ગામમાંથી જ ઝડપી પાડ્યો છે.

વડોદરાના એન્જિનિયર જીતેન્દ્ર બડગુજરે ઓનલાઈન ટાસ્ક ના નામે રૂ. 21.97 લાખ ગુમાવતા સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે વડોદરા સાયબર સેલે અમદાવાદના એમબીએ થયેલા જીગર શુક્લ સહિત છ જણાને ઝડપી પાડ્યા હતા. તેઓની પૂછપરછ દરમિયાન દુબઈ અને ચાઇના ના ઠગોને ઈશારે તેઓ બોગસ ફોર્મ બનાવી અને સીમ કાર્ડ મેળવી બેન્ક કીટ તૈયાર કરીને વિદેશ મોકલતા હોવાની વિગતો બહાર આવી હતી.

વિદેશ થી નેટવર્ક ચલાવતી ઠગ ટોળકીના 23 રાજ્યોમાં 300 થી વધુ ફ્રોડ કરવામાં આવ્યા હોવાની અને ત્રણ ચાર મહિનાના ગાળામાં જ 22 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાની વિગતો ખુલતા પોલીસ વધુ તપાસ કરી રહી છે.

આ ટોળકીની તપાસ દરમિયાન વડોદરાના એન્જિનિયરે ગુમાવેલા રૂપિયા પૈકી 2.90 લાખ મુંબઈની બેંકના એકાઉન્ટમાં જમા થયા હોવાની માહિતી બહાર આવી હતી. જેને પગલે પોલીસે આ બેંક એકાઉન્ટની ડીટેલ કઢાવી એકાઉન્ટ ખોલનાર મધ્યપ્રદેશના મદદેસોર ખાતેના રહેવાસી રવિ ઈશ્વરલાલ સોલંકીને ઝડપી પાડ્યો છે. રવિ કમિશનની લાલચમાં મુંબઈ જઈને બેંક ખાતુ ખોલાવ્યું હોવાથી તેને રિમાન્ડ પર લીધા બાદ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

રવિએ ખોલાવેલા બેંક એકાઉન્ટમાં પણ રૂ.4.36 કરોડના ટ્રાન્જેક્શન થયા હોવાની ચોકાવનારી વિગતો પોલીસને પ્રાપ્ત થઈ છે.

Gujarat