ધોળકામાં કોરોના સંક્રમણનો આંકડો 300 ને પાર પહોંચ્યો
- બુધવારે જિલ્લામાંથી કોરોનાના વધુ 15 કેસ મળ્યા
- જિલ્લામાં એક જ દિવસમાં 2,158 લોકોને 'હોમ કર્વારન્ટાઇન' કરવામાં આવ્યા
અમદાવાદ,તા.22 જુલાઇ 2020, બુધવાર
અમદાવાદ જિલ્લામાં બુધવારે કોરોનાના વધુ ૧૫ કેસ નોંધાયા હતા. સાણંદમાં પાંચ, દસક્રોઇમાં ૪, ધોળકામાં ૩, વિરમગામમાં ૨ અને ધંધૂકામાં ૧ કેસ નોંધાયો હતો. ધોળકામાં કોરોના સંક્રમણનો આંકડો ૩૦૧ થઇ ગયો છે. જ્યારે દસક્રોઇ અને સાણંદમાં સંક્રમણનો આંકડો ૨૦૦ને પાર પહોંચી ગયો છે.
સાણંદમાં પીપન, ગોધાવીમાં રામજી મંદિર, ચાંગોદરમાં કેસર સિટીમાંથી કેસ મળી આવ્યા હતા. ધંધૂકામાં હદલા ગામે, વિરમગામમાં સદભાવના ટાઉનશીપ અને હાંસલપુરમાંથી કોરોના પોઝિટિવ કેસ મળ્યા હતા.
ધોળકામાં આદેશ સોસાયટી, લકડિયા શેરી અને રિયલ રેસિડેન્સિમાં મળીને ૩ કેસ નોંધાયા હતા. જ્યારે દસક્રોઇ તાલુકામાં બારેજા, વહેવાલમાં સવદાસની ખડકી, ભાવડા ગામ અને ઝાણું ગામેથી કોરોનાનો કેસ સામે આવ્યો છે.
જિલ્લામાં બુધવારે ૨,૧૫૮ લોકોને 'હોમ કર્વારન્ટાઇન' કરવામાં આવ્યા હતા. હાલમાં કુલ ૯,૧૨૪ લોકોને 'હોમ કર્વારન્ટાઇન' માં રાખવામાં આવ્યા છે. જિલ્લામાં માર્ચ માસથી લઇને આજદીન સુધીમાં કુલ ૧,૧૨૧ કેસ કોરોના સંક્રમણના મળી આવ્યા છે. જેમાંથી ૯૬૧ દર્દીઓ સાજા થયા છે. જ્યારે ૫૮ લોકોના મોત થઇ ચૂક્યા છે.