mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

દિવાળી અગાઉ એસ્ટેટ વિભાગની બેદરકારી અમદાવાદમાં ખુલ્લા મંડપમાં ફટાકડા સાથે રખાયેલા એલ.પી.જી.સિલિન્ડર જોવા મળતા વિવાદ

ફટાકડાના વેચાણ માટે શહેરમાં ૧૭૬ એન.ઓ.સી.અપાઈ હોવા છતાં એસ્ટેટ વિભાગની રહેમનજર હેઠળ જાહેર રસ્તા ઉપર થતા વેચાણ છતાં તંત્ર નિષ્ક્રીય

Updated: Nov 3rd, 2021

દિવાળી અગાઉ એસ્ટેટ વિભાગની બેદરકારી અમદાવાદમાં ખુલ્લા મંડપમાં ફટાકડા સાથે  રખાયેલા એલ.પી.જી.સિલિન્ડર જોવા મળતા વિવાદ 1 - image


અમદાવાદ,બુધવાર,3 નવેમ્બર,2021

દિવાળી પર્વના એક દિવસ અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની બેદરકારી છતી થવા પામી છે.ફટાકડાના વેચાણ માટે ફાયર વિભાગ તરફથી ૧૭૬ એકમોને એન.ઓ.સી.આપવામાં આવી છે.આમ છતાં અમદાવાદના અનેક વિસ્તારોમાં જાહેર રસ્તા ઉપર ખુલ્લા મંડપોમાં ફટાકડાનું બેરોકટોક વેચાણ કરવામાં આવી રહ્યુ છે.કેટલાક વિસ્તારોમાં તો ફટાકડાના જથ્થાની સાથે એલ.પી.જી.સિલિન્ડર રાખવામાં આવ્યા હોવાનું પણ તંત્રની તપાસમાં બહાર આવવા પામ્યું છે.આ પરિસ્થિતિમાં દિવાળીના તહેવારોમાં મોટી દુર્ઘટના બને તો કોની જવાબદારી એ બાબત ચર્ચાનો વિષય બનવા પામી છે.

અમદાવાદ શહેરમાં આ વર્ષે કાયમી અને હંગામી ૧૭૬ એકમોને સ્થળ તપાસ બાદ ફટાકડા વેચાવા માટેની  મંજુરી આપી છે.આ એકમોની યાદી એસ્ટેટ વિભાગને પણ એક સપ્તાહ પહેલા મોકલી આપવામાં આવી હતી.દરમ્યાન ફાયર વિભાગ તરફથી અમદાવાદના પૂર્વ અને પશ્ચિમના કેટલાક વિસ્તારોમાં ઓચીંતી તપાસ કરવામાં આવતા કેટલાક સ્થળોએ ખુલ્લા મંડપો અને મુખ્ય રસ્તાઓ ઉપર બેરોકટોક ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યુ છે.ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ,આગળના ભાગમાં ફટાકડાનો જથ્થો રાખવામાં આવ્યો હોય અને પાછળના ભાગમાં એલ.પી.જી.સિલિન્ડર રાખવામાં આવ્યા હોય એ પ્રમાણેની સ્થિતિ કેટલાક વિસ્તારોમાં જોવા મળી હતી.આ પરિસ્થિતિમાં આગ લાગે કે મોટી હોનારત બને તો ઠીકરુ તો ફાયર વિભાગના માથે જ ફોડવામાં આવશે.એસ્ટેટ વિભાગ તરફથી શહેરના સાત ઝોનમાં કેટલા સ્થળોએ ફટાકડાના વેચાણ માટે કાચા મંડપોમાં લાયસન્સ આપ્યા એની કોઈ વિગતો સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી.બીજી તરફ આ અંગે એસ્ટેટ  વિભાગે દિવાળીના એક દિવસ અગાઉ ફાયર વિભાગને પત્ર લખી અમદાવાદમાં ફટાકડાના વેચાણ માટે કેટલા લોકોને એન.ઓ.સી.આપવામાં આવી એની પૃચ્છા કરતો પત્ર લખતા એસ્ટેટ વિભાગની બેદરકારી છતી થવા પામી છે.

ફાયરના અધિકારીઓ વાહનો સાથે સ્ટેન્ડ ટુ રખાશે

દિવાળી પર્વથી લઈ લાભ પાંચમ સુધીના સમય દરમ્યાન અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આગ કે અન્ય દુર્ઘટના બને એ સમયે જે તે સ્થળે ઝડપથી કામગીરી કરવા પહોંચી શકાય એ માટે અમદાવાદ ફાયરના અધિકારીઓને ફાયરના વાહનો સાથે અલગ અલગ વિસ્તારોમાં સ્ટેન્ડ ટુ રાખવામાં આવશે.ઉપરાંત લાભ પાંચમ સુધી અમદાવાદના લોકો દિવાળી પર્વની ઉમંગભેર ઉજવણી કરી શકે એ માટે ફાયરના અધિકારીઓ અને જવાનો ખડેપગે ફરજ બજાવશે.

Gujarat