વડોદરામાં મરાઠી સમાજ મતદાન સમયે નોટાનો ઉપયોગ કરી શાસક પક્ષનો વિરોધ કરશે
વડોદરા,તા.24 નવેમ્બર 2022,ગુરૂવાર
છત્રપતિ શિવાજી મહારાજ અંગે વિવાદાસ્પદ નિવેદનના આક્ષેપ સાથે સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ સંગઠન અને મંડળ વડોદરા દ્વારા જિલ્લા કલેકટર મારફતે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને રજૂઆત કરી રાજ્યપાલને પદ પરથી દૂર કરવાની માંગ કરી છે.
સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ સંગઠન અને મંડળ વડોદરા દ્વારા વડોદરા જિલ્લા કલેકટર મારફતે પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિને સંબોધી પાઠવેલ આવેદનપત્રમાં રજૂઆત કરી હતી કે, હિન્દવી સ્વરાજ તથા મહારાષ્ટ્રીયનના આરાધ્યા દેવતા છત્રપતિ શિવાજી મહારાજ સંદર્ભે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી. જાહેર કાર્યક્રમમાં તેમણે વક્તવ્ય દરમિયાન જણાવ્યું હતું કે, છત્રપતિ શિવાજી મહારાજ જુના યુગ ની વાત છે. નવા યુગમાં ડૉ.આંબેડકર થી નીતિન ગડકરી સુધી અહીં મળી જશે. આ નિવેદનના પગલે મહારાષ્ટ્રીયન સમાજની લાગણી દુભાઈ છે. સમાજ આ ઘટનાને વખોડી વિરોધ પ્રદર્શિત કરી રહ્યો છે. અમારી માંગણી છે કે વિધાનસભા ચૂંટણીના મતદાન પહેલા રાજ્યપાલને તેમના પદ પરથી દૂર કરવામાં આવે અને તેવું નહીં થાય તો મતદાન સમયે નોટાનો ઉપયોગ કરી શાસક પક્ષ વિરૂદ્ધ સખત વિરોધ દર્શાવાશે.