માણેકચોક સોના-ચાંદીના દાગીના બજાર પાંચ વાગ્યે બંધ કરી દેવાશે
- કોરોના ઇફેક્ટ : સરકારની છૂટ હોવા છતાં
- બજારમાં કોરોનાના ચેપના કેસો વધ્યા લગડીનો વેપારી 7 વાગ્યા સુધી ચાલુ રહેશે
(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 14 જુલાઇ, 2020, મંગળવાર
અમદાવાદમાં કોરોના વાઈરસના ચેપના કેસો કૂદકે ને ભૂસકે વધી રહ્યા હોવાથી ફફડી ઊઠેલી શ્રી માણેકચોક સોના-ચાંદી દાગીના અસોસિયેશનના વેપારીઓએ તેમના વેપાર ધંધા સાંજે સાત વાગ્યાને બદલે સાંજે પાંચ વાગ્યાથી જ બંધ કરી દેવાનો નિર્ણય લીધો છે.
સોના-ચાંદીના દાગીનાના વેપારીઓના બજારમાં કોરોના વાઈરસના ચેપના કેસો વધી રહ્યા હોવાથી રોગ વધુ ન વકરે તે માટે આ પગલું લેવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. બજાર સવારે 10 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી જ ચાલુ રહેશે.
આ સાથે જ તેમણે 70 વર્ષથી મોટી વયના નાગરિકોને બજાર આવવાથી દૂર રહેવા વિનંતી કરી છે. તેમ જ દરેક વેપારીઓને માસ્ક પહેરવા અને સેનિટાઈઝરનો ઉપયોગ કરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવા અનુરોધ કરવામાં આવ્યો છે. બીજી તરફ સોના ચાંદીની લગડીનો વેપાર કરનારા વેપારીઓના એસોસિયેશને તેમનું કામકાજ સાંજના આઠ વાગ્યા સુધી નહિ, પરંતુ સાંજે સાત વાગ્યા સુધી જ ચાલુ રાખવાનો નિર્ણય કર્યો છે.