આવકનો દાખલો હવે માત્ર એકજ દિવસમાં મળી જશે
મા કાર્ડ, શિષ્યવૃત્તિ, લોન મેળવવા, આવાસ યોજના સહિત અનેક યોજનામાં આ દાખલો જરૃરી છે
વડોદરા,તા.9 જાન્યુઆરી, બુધવાર
ગરીબ તેમજ મધ્યમવર્ગ માટે સરકારના વિવિધ લાભ મેળવવા માટે ખુબ ઉપયોગી આવકનો દાખલો હવે વડોદરાના જનસેવા કેન્દ્રમાંથી એક જ દિવસે એટલે કે સેમ ડે આપવાની શરૃઆત કરવામાં આવી છે.
નર્મદા ભવન ખાતેના જનસેવા કેન્દ્રમાં અરજદારોને મહત્વના દસ્તાવેજો વહેલી તકે મળી રહે તે માટે નાયબ કલેક્ટર મહિપાલસિંહ ચુડાસમા તેમજ પૂર્વ મામલતદાર આર.બી. પરમાર દ્વારા પ્રયત્નો શરૃ કરાયા હતાં. જનસેવા કેન્દ્રમાં ખુબ જુનું ઇલેક્ટ્રીકનું કામ હોવાથી તેને અપગ્રેડ કરવા માટે માર્ગ અને મકાન વિભાગને સાથે રાખીને જનસેવા કેન્દ્રને એક દિવસ બંધ રાખવામાં આવ્યું હતું અને આ કેન્દ્રમાં જીસ્વાન કનેક્ટીવીટી નવી નાંખવામાં આવી હતી.
દરમિયાન તા.૨ જાન્યુઆરીથી લોકોને હવે માત્ર એક જ દિવસમાં આવકનો દાખલો મળી રહે છે. અરજદાર આવકનો દાખલો મેળવવા ફોર્મ મેળવી તલાટીના સહિ-સિક્કા કરાવે, જરૃરી દસ્તાવેજો જોડે અને સોગંદનામા જનસેવા કેન્દ્રમાં રજૂ કરે તો તે જ દિવસે દસ્તાવેજોની ચકાસણી નાયબ મામલતદાર દ્વારા કરીને આવકનો દાખલો અરજદારને આપી દેવામાં આવે છે. ટૂંકમાં એકજ ધક્કામાં આવકનો દાખલો મળી જાય છે. ઉલ્લેખનીય છે કે માં કાર્ડ કઢાવવા, શિષ્યવૃત્તિ યોજનાનો લાભ તેમજ લોન મેળવવા અને આવાસ યોજના સહિત અનેક લાભો મેળવવા માટે આ આવકનો દાખલો જરૃરી છે. અગાઉ બધા દસ્તાવેજો રજૂ કરાય તો ત્રણથી ચાર દિવસ અથવા સપ્તાહ બાદ દાખલો મળતો હતો પરંતુ હવે માત્ર એક દિવસમાં દાખલો અરજદારને આપી દેવાય છે.