Get The App

અમદાવાદમાં એક વર્ષમાં ૧૮વર્ષ સુધીનાં ૯૪૩ બાળક ટી.બી.સંક્રમિત,૧૮નાંમોત

રખિયાલ વોર્ડમાં સૌથી વધુ પાંચ બાળકનાં મોત

વર્ષ-૨૦૨૦માં શહેરમાં ૧૮ વર્ષ સુધીનાં ૮૧૧ બાળક ટી.બી.રોગથી ગ્રસ્ત થયા હતા,૩૨નાં મોત થયા હતા

Updated: Mar 3rd, 2022

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં એક વર્ષમાં ૧૮વર્ષ સુધીનાં ૯૪૩ બાળક ટી.બી.સંક્રમિત,૧૮નાંમોત 1 - image

અમદાવાદ,બુધવાર,2 માર્ચ,2022

અમદાવાદ શહેરમાં ઝડપથી બદલાઈ રહેલી જીવનશૈલીથી ટી.બી.ના સંક્રમણમાં વધારો થવા પામ્યો છે.વર્ષ-૨૦૨૧માં ૧૮ વર્ષ સુધીનાં કુલ ૯૪૩ બાળકો ટી.બી.ના રોગથી સંક્રમિત થયા હતા.એક વર્ષમાં ટી.બી.ના રોગથી સંક્રમિત થયેલા ૧૮ બાળકોના મોત થયા હતા.રખિયાલ વોર્ડમાં સૌથી વધુ પાંચ બાળકોના મોત થવા પામ્યા હતા.વર્ષ-૨૦૨૦માં શહેરમાં ૧૮ વર્ષની વય સુધીના ૮૧૧ બાળકો ટી.બી.ગ્રસ્ત થયા હતા એ પૈકી ૩૨ બાળકના મોત થયા હતા.

અમદાવાદના વિસ્તાર વધવાની સાથે પોષણક્ષમ ખોરાકને બદલે અન્ય ખાદ્યચીજો ખાવાના ક્રેઝ તથા ખુબ ઓછી જગ્યામાં એક સાથે વધુ લોકોનો વસવાટ કરવા ઉપરાંત હવામાં વધતા પ્રદૂષણ અને યોગ્ય સમયે જરૃરી દવા કે સારવાર ના લેવા જેવા અન્ય પરિબળોના કારણે ટી.બી.ના દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.મ્યુનિ.હદ વિસ્તારમાં વસતા ૧૮ વર્ષ સુધીના બાળકો ઝડપથી ટી.બી.ગ્રસ્ત બની રહ્યા છે.આ પાછળ એક કારણ આ વયના બાળકોમાં ઈમ્યુનિટી પ્રમાણમાં ઓછી હોવાનું પણ તારણ આપવામાં આવી રહ્યુ છે.વર્ષ-૨૦૨૦માં શહેરના વિવિધ વિસ્તારમાં ૧૮ વર્ષની વય ધરાવતા કુલ મળીને ૮૧૧ બાળકો ટી.બી.ના લક્ષણ ધરાવતા મળી આવ્યા હતા.જેની તુલનામાં વર્ષ-૨૦૨૧માં ટી.બી.સંક્રમિત બાળકોની સંખ્યા વધીને ૯૪૩ સુધી પહોંચી હતી.વર્ષ-૨૦૨૦માં ૧૮ વર્ષની વય સુધીના ટી.બી.સંક્રમિત કુલ ૩૨ બાળકોના મોત થયા હતા.જેની તુલનામાં વર્ષ-૨૦૨૧માં ટી.બી.સંક્રમિત થયેલા બાળકોનો મૃતકાંક ઘટીને ૧૮ ઉપર પહોંચ્યો હતો.શહેરના સાત ઝોનમાં આવેલા મ્યુનિ.હસ્તકના અર્બન હેલ્થ સેન્ટરો ઉપરાંત ટી.બી.નિદાન કેન્દ્રો ઉપરથી હેલ્થ વિભાગ દ્વારા ટી.બી.સંક્રમિત બાળકોના નિદાન ઉપરાંત દવા સહિતની સારવાર આપવામાં આવી રહી છે.મ્યુનિ.વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે શહેરમાં ગીચ વસ્તી ધરાવતા અને સ્લમ અને ચાલી વિસ્તારમાં રહેતા ૧૮ વર્ષ સુધીના બાળકોનો ટી.બી.ના રોગને લઈ એક સર્વગ્રાહી સરવે કરી સારવાર આપવા મ્યુનિ.તંત્ર સમક્ષ અપીલ કરાઈ છે.

કયા વિસ્તારમાં ૧૮ વર્ષ સુધીના ટી.બી.ગ્રસ્ત બાળકના મોત

વર્ષ-૨૦૨૧માં શહેરના રખિયાલ વોર્ડમાં ટી.બી.થી ૧૮ વર્ષ સુધીના સૌથી વધુ પાંચ બાળકના મોત થયા હતા.બહેરામપુરા વોર્ડમાં ત્રણ બાળકોના ટી.બી.થી મોત થયા હતા.નવાવાડજ વોર્ડમાં ટી.બી.સંક્રમિત બે બાળકના મોત થયા હતા.અસારવા, બાપુનગર, ચાંદખેડા, દાણીલીમડા ઉપરાંત જમાલપુર,વાસણા અને વેજલપુર અને ભાઈપુરા વોર્ડમાં અનુક્રમે એક-એક બાળકનું ટી.બી.સંક્રમિત થવાથી મોત થયુ હતું.