Get The App

ત્રણ વર્ષથી RTEથી વંચિત બાળકોની હાઈકોર્ટે વિગતો મંગાવી

- RTE હેઠળ ઓનલાઈન અરજી કરી પણ પ્રવેશ ન મળ્યો

- શાળામાં પ્રવેશ માટે અરજી કરી હોય અને પ્રવેશથી દરેક વાલીઓ સોગંદનામું કરીને વિગતો રજૂ કરે

Updated: Jul 22nd, 2020

GS TEAM

Google News
Google News
ત્રણ વર્ષથી RTEથી વંચિત બાળકોની હાઈકોર્ટે વિગતો મંગાવી 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા.22 જુલાઇ, 2020, બુધવાર

ગુજરાતભરની ખાનગી શાળાઓમાં રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ શાળામાં પ્રવેશ  મેળવવા માટે 2017-18થી 2019-20ના ત્રણ વર્ષ દરમિયાન ઓનલાઈન અરજી કર્યા બાદ પ્રવેશથી વંચિત રહેલા વિદ્યાર્થીઓના વાલીઓને કોઈ ફરિયાદ કરવી હોય તો તેમને તે હાઈકોર્ટ દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયત નમૂનામાં ભરીને સોગંદનામું કરીને તેની નકલ ઇ-મેેઈલના માધ્યમથી હાઈકોર્ટને મોકલી આપવા જણાવ્યું છે. 

ગુજરાત હાઈકોર્ટના રજિસ્ટ્રારે આ સંદર્ભમાં જાહેર નોટિસ આપી છે. 18મી ઓગસ્ટ 2020 સુધીમાં શાળામાં આરટીઈ-રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવા અરજી કર્યા પછી પ્રવેસ ન મેળવી શકેલા વિદ્યાર્થીઓના વાલીઓને સોગંદનામાની વિગતો પીડીએફ ફોર્મેટમાં અપલોડ કરી દેવાની સૂચના આપવામાં આવી છે. 

ગુજરાતમાં ઘણી શાળાઓ આરટીઈ હેઠળ યોગ્ય પ્રવેશ સંખ્યાની જાહેરાત ન કરતી હોવાની ભૂતકાળમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી રજૂઆત થઈ ગઈ છે. તેને પરિણામે રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ મળવાપાત્ર બેઠકો મળતી જ નથી.

બીજું, રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ આપવા માટેની પ્રક્રિયા નોર્મલ વિદ્યાર્થીઓ માટેની પ્રવેશ પ્રક્રિયા સાથે ચાલુ કરવામાં આવતી નથી. તેથી પણ આરટીઈના વિદ્યાર્થીઓને બહુ જ મોડો શાળા પ્રવેશ મળે છે. ઘણી શાળાઓમાં તો આરટીઈની બેઠક પર અમીરોના બાળકોને પ્રવેશ આપી દેવાય છે. 

ત્રીજું, 2020-21ની વાત કરવામાં આવે તો આરટીઈ હેઠળ પ્રવેશ આપવાની પ્રક્રિયા હજી સુધી સંખ્યાબંધ શાળાઓમાં થઈ નથી. આ એક અન્યાયકર્તા બાબત છે. છેલ્લા ચાર વર્ષથી આ સ્થિતિ જોવા મળી રહી છે. સરકાર પણ આરટીઈનો અમલ કરાવવામાં ગંભીર ન હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

પેરેન્ટ એકતા મંચનું કહેવું છે કે સરકાર રાઈટ ટુ એજ્યુકેશનનો અમલ કરવાની બાબતમાં જડબેસલાક આયોજન ન કરતી હોવાથી વાલીઓએ છાશવારે કોર્ટમાં જવું પડે છે. પરિણામે વાલીઓને ન્યાય મેળવવો મોંઘો પડી રહ્યો છે. આ સ્થિતિમાં હાઈકોર્ટે આ વિગતો મંગાવી છે તે આવકારને પાત્ર છે. પરંતુ રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવવાની સમસ્યાનું કાયમી સમાધાન આવી જાય તેવું અમે ઇચ્છી રહ્યા છીએ.

Tags :