એલ્યુમિનિયમ એલોયના ભાવ વધતા ઓટો ઇન્ડસ્ટ્રીની કઠણાઈ વધી
ઓટો અને મશીનરીના પાર્ટ્સ મોંઘા થશે
ગુજરાતમાં ઓટોપાર્ટ્સ અને રાજકોટમાં મશીનરી બનાવતા એકમોના ધંધા પર વિપરિત અસર પડવાની સંભાવના
અમદાવાદ : એલ્યુમિનિયમમાંથી ઓટોમોબાઈલ અને મશીનરીના પાર્ટ્સ બનાવવા માટે વપરાતા એલ્યુમિનિયમ એલોયમાં ભેળવવામાં આવતી સિલીકોનના ભાવમાં એકાએક 300થી 400 ટકાનો વધારો આવી જતાં ઓટોપાર્ટ્સ અને મશીનરી પાર્ટ્સ એકાએક અત્યંત મોંઘા થઈ ગયા છે.
ઓટોમોબાઈલમાં કાર અને ટુ વ્હિલર્સ કે થ્રી વ્હિલર્સમાં તેમાંથી બનતા પૂરજાઓ વાપરવામાં આવે છે. સિલિકોનના ભાવ વધી જતાં એલ્યુમિનિયમ એલોયના સપ્લાય પર પણ એકાએક કાપ આવી ગયો છે. સિલિકોનના ભાવમાં વેલા વધારાને પરિણામે એલ્યુમિનિયમ એલોયના ટનદીઠ ભાવ છ માસ પૂર્વે રૂા. 1,50 લાખ હતો તે આજે વધીને ટનદીઠ રૂા.2.25 લાખ થઈ ગયો છે. આમ તેમાં સીધો 50 ટકાનો વધારો આવી ગયો છે.
જુલાઈ 2021માં સિલિકોનનો ટનદીઠ ભાવ 2000 અમેરિકી ડૉલર હતો તે આજે વધીને 10,000 અમેરિકીડૉલરની આસપાસ આવી ગયો છે.એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ એલોય બનાવવા માટે તેમાં 10 ટકા જેટલી સિલિકોન મેટલ અને અન્ય મેટ્સ ઉમેરવી પડે છે. તેનાથી તેની મજબૂતી વધે છે. માત્ર એલ્યુમિનિયમમાંથી ઓટોમોબાઈલ સહિતની મશીનરી માટે પૂરજાઓ બનાવી શકાતા નથી. તેને સ્ટ્રેન્ગ્થ આપવા માટે તેમાં સિલિકોન સહિતની અન્ય ધાતુઓ ઉમેરવામાં આવે છે.
સિલિકોન ઉમેરવામાં આવતા એલ્યુમિનિયમની મજબૂતી વધી જાય છે. તેથી તેને એલ્યુમિનિયમ એલોય તરીકે ઓળખાવવામાં આવે છે. એલ્યુમિનિયમ એલોયના ઇન્ગોટ્સનું માર્કેટમાં વેચાણ કરવામાં આવે છે. તેને ગાળીને તેમાંથી મશીનરીના અને ઓટોમોબાઈલમા પાર્ટ્સ બનાવવામાં આવે છે. રાજકોટના મશીનરી ઉદ્યોગ પર તેની ખરાબ અસર પડી રહી છે. તેમ જ મોટરકારના ઉત્પાદકો માટે પૂરજાઓ બનાવતા એકમોના મેન્યુફેક્ચરિંગ કોસ્ટ વધી ગઈ છે.
સિલીકોન માટે ચીન પર જ ભારત નિર્ભર છે. 90 ટકા સિલિકોનની આયાત ચીનથી કરવામાં આવે છે. એલ્યુમિનિયમમાંથી એલ્યુમિનિયમ એલોય બનાવતા ભારતના 500થી વધુ એકમોમાં વરસે દહાડે 67000 ટનથી વધુ સિલિકોન વપરાય છે.
ભારતમાં સિલિકોનનું ઉત્પાદન નહિવત જ છે. પરંતુ ચીને તેના વધારી દીધેલો ભાવને કારણે એલ્યુમિનિયમમાંથી જ એલ્યુમિનિયમ એલોય બનાવતા એકમોના કામકાજ મંદ પડી ગયા છે. કારણે સિલિકોનના ભાવ તેમને પરવડતા નથી, એમ એલ્યુમિનિયમ એલોય બનાવતી એક કંપનીના પ્રમોટરનું કહેવું છે.આ ઉદ્યોગનું કુલ ટર્નઓવર રૂા. 1 લાખ કરોડનું છે. તેના થકી એકથી સવા લાખ લોકોને સીધી રોજગારી મળે છે.