વાહનોનું ફિટનેસ સર્ટિફિકેટ આરટીઓ નહી પરંતુ ખાનગી એજન્સી આપશે
કાર માટે રૃ.400 અને હેવી વ્હિકલ માટે રૃ.1000ની ફી વસુલ કરાશે, ફિટનેસ સર્ટિફિકેટ નહી હોય તો રોજના રૃ.૫૦નો દંડ
વડોદરા : ગુજરાત સરકારે અગાઉ સુરત, રાજકોટ, મહેસાણા અને બારડોલી સહિતના શહેરોમા વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે ખાનગી એજન્સીને કામગીરી સોંપ્યા બાદ બીજા તબક્કામાં હવે વડોદરામાં પણ વાહન ફિટનેસ સર્ટિફિકેટની કામગીરી ખાનગી એજન્સિને સોંપી દેવામાં આવી છે.
અગાઉ હાઇ સિક્ટોરિટી રજિસ્ટ્રેશન નંબર પ્લેટ લગાવાની અને થોડા સમય પહેલા રજિસ્ટ્રેશન નંબર મેળવવાની કામગીરી ખાનગી એજન્સિને અને ડિલરોને સોંપ્યા બાદ હવે આરટીઓની વધુ એક સેવાનું ખાનગીકરણ કરવામા આવ્યુ છે. વડોદરા સહિતના રાજ્યના તમામ આરટીઓમાં આજથી કોઇ પણ નવુ વાહન રજિસ્ટ્રેશન નંબર પ્લેટ વગર શોરૃમમાંથી બહાર નહી નીકળે. અગાઉ ડિલરો દ્વારા જે ટેમ્પરરી નંબર ફાળવવામાં આવતા હતા તેના બદલે હવે રજિસ્ટ્રેશન નંબર પ્લેટ સાથે જ વાહનની ડીલવરી થશે.
આ ઉપરાંત હવેથી કારથી લઇને હેવી વ્હિકલ સુધી તમામ વાહનોના ફિટનેસ સર્ટિફિકેટ માટે આરટીઓ પાસે નહી પરંતુ ખાનગી એજન્સી પાસે જવુ પડશે. વડોદરા સહિત આખા રાજ્યમાં ૨૦૦થી વધુ ખાનગી એજન્સિઓને આ માટે પરવાનો આપવામાં આવ્યો છે. ખાનગી એજન્સીનું ઓટોમેટિક ફિટનેસ મેનેજમેન્ટ મશીન વાહનનું ચેકિંગ કરીને સર્ટિફિકેટ તૈયાર કરશે. ચાર સહિતના નાના વાહનો માટે રૃ.૪૦૦, મધ્યમ કક્ષાના પેસેન્જર અને ગુડ્ઝ વાહનો માટે રૃ.૬૦૦ અને હેવી વ્હિકલ માટે રૃ.૧૦૦૦ની ફી નક્કી કરવામાં આવી છે. જે વાહન ફિટનેસ સર્ટિફિકેટ વગર પકડાશે તેનો રોજના રૃ.૫૦ લેખે દંડ વસુલ કરવામાં આવશે.