Get The App

વડોદરામાં કોરોનાનો BF.7 વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો

૩ મહિના પહેલા એનઆરઆઇ મહિલા કોરોના સંક્રમિત બન્યા હતા, જો કે લક્ષણો સામાન્ય હોવાથી હોમ આઇસોલેશનમાં જ સારવાર લીધી હતી

Updated: Dec 21st, 2022

GS TEAM

Google News
Google News
વડોદરામાં કોરોનાનો BF.7 વેરિએન્ટનો પ્રથમ કેસ નોંધાયો 1 - image

વડોદરા : ત્રણ મહિના પહેલા કોરોના સંક્રમિત થયેલ ૬૧ વર્ષના મહિલાને કોરોનાના નવા વેરિએન્ટ બીએફ.૭ પ્રકારનું ઇન્ફેક્શન થયુ હોવાનો રિપોર્ટ આવ્યો છે જેના પગલે તંત્રએ તકેદારીના ભાગરૃપે વડોદરાના લોકોને સાવચેત રહેવા માટે સૂચન કર્યુ છે.જો કે આ મહિલા દર્દી કોરોનામુક્ત થઇ ચુક્યા છે અને સ્વસ્થ છે.

ગત સપ્ટેમ્બર મહિનામાં શહેરના સુભાનપુરા વિસ્તારમાં અમેરિકાથી આવેલા ૬૧ વર્ષના એનઆરઆઇ મહિલાને શરદી અને તાવના લક્ષણો દેખાતા ડોક્ટરની સલાહ મુજબ ખાનગી લેબમાં રિપોર્ટ કરાવતા તા.૧૧મી સપ્ટેમ્બરે મહિલા કોરોના પોઝિટિવ આવ્યા હતા. જો કે તેઓને સામાન્ય તકલીફ હોવાથી હોમ આઇસોલેશનમાં જ સારવાર લીધી હતી. બીજી તરફ મહિલા અમેરિકાથી આવ્યા હોવાથી ખાનગી લેબ દ્વારા તેમના સેમ્પલ જીનોમ સિક્વન્સ માટે ગાંધીનગરની લેબમા મોકલવામાં આવ્યા હતા.

જીનોમ સિક્વન્સ બાદ સુભાનપુરાના મહિલાને કોરોનાનું બીએફ.૭ પ્રકારનું ઇન્ફેક્શન હોવાનુ બહાર આવ્યુ હતું. જો કે આ રિપોર્ટ આવે તે પહેલા તો મહિલા કોરોનામુક્ત થઇ ગયા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા ૩ મહિનામા વડોદરાની મહિલા અને અમદાવાદના બે દર્દીઓ મળીને કુલ ૩ દર્દીઓને બીએફ.૭ પ્રકારનું સંક્રમણ લાગ્યુ છે. વડોદરા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતું કે ભારતમાં બહોળા પ્રમાણમાં વેક્સિનેશન થયું હોવાથી બીએફ.૭નું સંક્રમણ ખતરનાક સાબિત નહી થાય તેમ છતાં સાવચેતી અને તકેદારી રાખવી જરૃરી છે.