Get The App

ગાંધીનગરમા આકરી ગરમી અનુભવતાં નગરજનોઃતાપમાનનો પારો 43.8 ડિગ્રી

- સવાર અને સાંજના તાપમાનમાં 16 ડિગ્રીનો તફાવત

Updated: May 25th, 2020

GS TEAM

Google News
Google News
ગાંધીનગરમા આકરી ગરમી અનુભવતાં નગરજનોઃતાપમાનનો પારો 43.8 ડિગ્રી 1 - image


ગાંધીનગર, તા. 24 મે 2020, રવિવાર

સમગ્ર ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીની અસર પાટનગર ઉપર પણ અનુભવવા મળી રહી હોય તેમ છેલ્લા ત્રણ - ચાર દિવસથી તાપમાનનો પારો ૪૨ થી ૪૪ ડિગ્રીની વચ્ચે નોંધાઇ રહ્યો છે. જેના પગલે નગરજનોને પણ અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે રવિવારે મહત્તમ તાપમાન ૪૩.૮ ડિગ્રીએ આવીને અટક્યું હતું. તો બીજી તરફ આગામી દિવસોમાં આકરી ગરમી પડશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરાઇ છે.

જેઠ માસના શરૂઆતના દિવસોમાં ગરમી આકરી બની હોય તેવા વાતાવરણનો સામનો છેલ્લા ત્રણ - ચાર દિવસથી લોકોને કરવો પડી રહ્યો છે. અસહ્ય ગરમીમાં શેકાઇ રહેલાં નગરજનોની હાલત પણ કફોડી બની જવા પામી છે ત્યારે સમગ્ર ગુજરાતમાં પડી રહેલી કાળઝાળ ગરમીની અસર પાટનગરવાસીઓને પણ અનુભવવા મળી રહી હોય તેમ ગરમીનો સામનો કરી રહ્યાં છે.

શનિવારે તાપમાનનો પારો ૪ર ડિગ્રીએ પહોંચ્યો હતો. જ્યારે લઘુત્તમ તાપમાન ર૮.૫ ડિગ્રીએ પહોંચી ગયું હતું. ત્યારે રવિવારે સવારનું તાપમાન ૨૮ ડિગ્રીએ પહોંચી ગયું હતું. જેમાં દિવસ દરમિયાન તબક્કાવાર વધારો થતાં સાંજના સમયે ગરમીનો પારો ૪૩.૮ ડિગ્રી આવીને અટક્યો હતો. બીજી તરફ ભેજનું પ્રમાણ સવારે ૫૭ જ્યારે સાંજે ૧૭ ટકાએ પહોંચ્યું હતું.

આમ સવાર અને સાંજના ભેજના પ્રમાણમાં વધઘટ થવાની અસર દિવસ દરમિયાનના તાપમાન ઉપર પણ જોવા મળી હતી. મહત્તમ અને લઘુત્તમ તાપમાનના પારામાં ૧૬ ડિગ્રીનો તફાવત નોંધાવા છતાં ગરમીનું પ્રમાણ યથાવત્ રહેતાં નગરજનો પણ પરસેવે રેબઝેબ થઇ રહ્યાં છે. આમ આકરી બનેલી ગરમીની અસર શહેર ઉપર પણ જોવા મળતી હોય તેમ માર્ગોની આસપાસ વસવાટ કરતાં શ્રમજીવીઓ તેમજ પશુ-પક્ષીઓની હાલત કફોડી બની જવા પામી છે. જ્યારે આગામી દિવસોમાં હજુ ગરમી આકરી બનશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરાઇ છે.

Tags :