ચોખા બજારમાં કર્મચારીઓએ રૃ. ૮.૫૩ લાખના તેલના ડબ્બા બારોબાર વેચી દીધા
બિલો,જમા થયેલા રૃપિયા તથા સ્ટોક ચેક કરતા ભાંડો ફૂટયો
રૃપિયા ૫.૨૧ લાખ આપવાના બદલે નોકરી છોડી દીધી
અમદાવાદ, સોમવાર
કાલુપુર ચોખા બજારમાં આવેલી પેઢીના બે કર્મચારીઓએ રૃપિયા ૮.૫૩ લાખના તેલના ડબ્બા બારોબાર વેચી ઠગાઇ આચરી હતી. જેમાં વર્ષ ૨૦૧૯માં બિલો અને જમા થયેલ રૃપિયા અંગે શંકા જતા સ્ટોક ચેક કરતા ભાંડો ફૂ્ટયો હતો. ત્યારે બંનેએ રૃપિયા ચૂકવવાની વાત કરી હતી, પરંતુ હજુ સુધી પૈસા ના ચૂકવીને નોકરી છાડી દીધી હતી. આ બનાવ અંગે વેપારીએ દરિયાપુર પોલીસે બંને કર્મચારી સામે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
રૃપિયા ૫.૨૧ લાખ આપવાના બદલે નોકરી છોડી દીધી ઃ દરિયાપુર પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી
મોરબીમાં રહેતા વેપારીએ દરિયાપુર પોલીસ સ્ટેશનમાં અમદાવાદ કાલુપુરમાં ભંડેરી પોળ ખાતે તેમની પેઢીમાં નોકરી કરતા અને સાબરમતીમાં તથા ઓઢવમાં રહેતા બે કર્મચારી સામે ફરિયાદ નોંધાવી છે કે તેમની કાલુપુર ચોખા બજાર ખાતેની પેઢીમાં તમણે વર્ષ ૨૦૧૯થી બન્ને શખ્સોને નોકરી રાખ્યા હતા, તેઓ ગ્રાહકોને જરૃરિયાત મુજબ માલ આપતા હતા અને તેના બિલો બનાવી પૈસા જમા કરાવતા હતા. વર્ષ ૨૦૧૯ના અંતમાં જ બિલો અને જમા થયેલ પૈસા અંગે શંકા જતા ફરિયાદીએ તેમના પુત્રને અમદાવાદ મોકલ્યો હતો.
જેથી તેણે ચેક કરતા ૩.૩૨ લાખ રૃપિયાની ઘટ આવી હતી. આ મામલે આરોપીને પુછતા તેણે માલ વેચ્યો હોવાની કબુલાત કરી હતી અને ૧૨ વેપારીઓના રૃા. ૫,૨૧,૨૫૮ બારોબાર રોકડા લઇ લીધા હોવાનું ધ્યાને આવ્યું હતું. આમ બન્નેએ ૮.૫૩ લાખ રૃપિયાની ઠગાઇ આચરી હતી. ત્યારબાદ બન્નેએ પૈસા ચુકવી આપવા જણાવ્યું હતું પરંતુ પૈસા ન ચુકવ્યા ન હતા અને નોકરી છોડીને જતા રહ્યા હતા. આ ઘટના અંગે દરિયાપુર પોલીસે છેતરપિંડી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને પુરાવા આધારે વધુ તપાસ હાથ ધરી છે.