સૈજપુર તળાવના વિકાસનું સપનું એક દાયકાથી અધુરૂ, વિકાસ માટે મ્યુનિ.તંત્રે 5 કરોડનું બજેટ ફાળવ્યું હતું
અમદાવાદ, તા.11 જાન્યુઆરી 2021, સોમવાર
- તળાવમાં ગટરના ગંદા પાણી ઠલવાઇ રહ્યા છે, બગીચો પણ સુકાઇ ગયો!
સૈજપુર તળાવમાં ડ્રેનેજ લાઇનનું ગંદુ પાણી ઠલવવામાં આવી રહ્યું હોવાથી આજુબાજુના રહેણાંક વિસ્તારોમાં પ્રસરતી અસહ્ય દુર્ગંધથી લોકો પરેશાની ભોગવી રહ્યા છે. મ્યુનિ.તંત્રની બેદરકારી વચ્ચે તળાવની ફરતે બનાવાયેલો બગીચો પણ ઉજ્જડ બની ગયો છે. દશ વર્ષ પહેલા મ્યુનિ.તંત્ર દ્વારા આ તળાવના વિકાસ માટે ૫ કરોડ રૂપિયાનું બજેટ ફાળવાયું હતું. જોકે સત્તાધીશોની અણઆવડત, રસહીનતા અને બેદરકારીના કારણે આ તળાવ હજુ સુધી વિકસી શક્યું નથી.
આ વોર્ડના કોર્પોરેટર શહેરના ડેપ્યુટી મેયર પદે બે વખત રહી ચૂક્યા છે. તેમ છતાંય આ વિસ્તારનો જોઇએ તેટલો વિકાસ થયો ન હોવાની લાગણી સ્થાનિક રહિશો અનુભવી રહ્યા છે. સૈજપુર તળાવની બાજુમાં ડ્રેનેજ પંપિંગ સ્ટેશન અને વોટર પંપિંગ સ્ટેશન આવેલા છે. ડ્રેનેજનું પાણી આ સ્ટેશન મારફતે સુએજ પંપિંગ સ્ટેશન પિરાણા ખાતે ઠલવાતું હોય છે.
તેમ છતાંય નવાઇની વાત એ છેકે સૈજપુર તળાવમાં ગેરકાયદે ગટરોનું ગંદુ પાણી બેફામપણે છોડવામાં આવી રહ્યું છે. જેના કારણે દુર્ગંધ, માખી-મચ્છર અને ગંદકીનો ત્રાસ વધ્યો છે. તળાવમાં લીલ પથરાઇ ગઇ છે. દશ વર્ષ પહેલા આ વિસ્તારના લોકોને આનંદ-પ્રમોદ માટે બાગ-બગીચાવાળું, ચોખ્ખા પાણીથી ભરાયેલું સ્વચ્છ તળાવ આપવાનું સ્વપ્ન બતાવાયું હતું. જોકે આજદીન સુધી આ સપનું સાકાર થયું નથી.
છેલ્લા ત્રણ માસથી પાણીની લાઇનનું જોડાણ કપાઇ ગયું હોવાથી ગાર્ડનમાં પાણી વગર ઝાડ-છોડવાઓ સુકાઇ ગયા હોવાનું રહિશોનું કહેવું છે. તળાવના વિકાસનું એક દાયકાનું સપનું પુરૂ થયું નથી. સત્તાધિશો રસ લઇને આ તળાવના વિકાસનું કામ સત્વરે પુરૂ કરવામાં આવે તેવી લોકોમાં માંગણી ઉઠવા પામી છે.