Get The App

SMVSના સ્થાપક ગુરૂવર્ય પૂ.બાપજીનો દેહવિલય: હરિભક્તો ઘેરા શોકમાં

- દેશ-વિદેશમાં 100થી વધુ સ્વામિનારાયણ મંદિરોનું નિર્માણ કરનાર

- ગાંધીનગર સ્વામિનારાયણધામ ખાતે હજારો ભક્તો અંતિમ દર્શન માટે ઉમટયા: આજે બપોરે અંતિમ સંસ્કારવિધિ

Updated: Aug 24th, 2019

GS TEAM

Google News
Google News
SMVSના સ્થાપક ગુરૂવર્ય પૂ.બાપજીનો દેહવિલય: હરિભક્તો ઘેરા શોકમાં 1 - image

ગાંધીનગર, તા. 23 ઓગસ્ટ, 2019, શુક્રવાર

એસએમવીએસ સ્વામિનારાયણ સંસ્થાના સંસ્થાપક પ.પૂ.બાપજીનો ૮૭ વર્ષની વયે ગુરૂવારે રાત્રે દેહવિલય થયો હતો. આ દુખદ સમાચારથી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.

દેશ-વિદેશમાં ૧૦૦થી વધુ મંદિરો બનાવનાર બાપજીના પાર્થિવ દેહને વાસણા ખાતે વિવિધ સ્નાનવિધિ કરાવ્યા બાદ ગાંધીનગર સ્વામિનારાયણધામ ખાતે દર્શનાર્થે રાખવામાં આવ્યો છે. બાપજીના અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં હરિભક્તો ઉમટી પડયા હતા તો મુખ્યમંત્રીએ પણ  શોકાંજલિ વ્યકત કરી છે. 

પ.પૂ.બાપજી મનુષ્ય ભાવે જન્મ અબજી બાપાના આશિર્વાદથી ઈ.સ.૧૩ માર્ચ ૧૯૩૩ના રોજ વિરમગામમાં વાસણ  ગામે રહેતા જેઠાભાઈ અને ધુણીબાઈના ઘરે થયો હતો. ર૩ વર્ષની યુવાન વયે ૧૯૫૩ની ત્રીજી ઓગસ્ટના રોજ દીક્ષા ગ્રહણ કરી દેવનંદનજી સ્વામિ નામ ધારણ કર્યું હતું.

પરંતુ ત્યારબાદ તેઓ સંતો-ભક્તોમાં બાપજીના હુલામણાં નામની ઓળખાયા હતા. તેમણે સતત છ દાયકા કરતા પણ વધુનો સમય નિષ્કલંક સન્યાસી જીવનમાં સમાજસેવા, આધ્યાત્મિકતા, આદિવાસી ઉત્કર્ષ, રાહત કાર્યો, મહિલા ઉત્કર્ષ વગેરે જેવા ભગીરથ કાર્યો કરી સામાજિક ઉત્થાનનું કાર્ય કર્યું હતું.

વર્ષ ૧૯૮૭માં શુધ્ધ ઉપાસનાયુક્ત ગગનચુંબી શિખરબધ્ધ મંદિરની સૌપ્રથમ વાસણા ખાતે રચના કરવાની સાથે જ સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થાન (એસએમવીએસ)નો ઉદય કર્યો હતો. તેઓએ માત્ર ૩૦ વર્ષના ટુંકાગાળામાં ૧૦૦ કરતાં વધુ મંદિરો તથા સત્સંગ કેન્દ્રોનું નિર્માણ કર્યું છે. 

છેલ્લા ઘણા વખતથી તેઓ અમદાવાદ વાસણા ખાતે જ રહેતા અને જયાં તેમની સારવાર દરમિયાન ગુરૂવારની રાત્રે ૧૦.૧૦ કલાકે અવસાન થયું છે. બાપજીના આ સમાચારથી સંપ્રદાયમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે ત્યારે બાપજીના પાર્થિવ દેહને સ્નાન અને પુજા વિધિ બાદ કલ્યાણ યાત્રા દ્વારા ગાંધીનગર સ્વામીનારાયણધામ ખાતે લાવવામાં આવ્યો હતો.

અહીં બાપજીના અંતિમ દર્શન માટે હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડયા હતા તો મુખ્યમંત્રીએ પણ બાપજીને શ્રધ્ધાંજલિ વ્યકત  કરી હતી. દેશ વિદેશથી આવતાં હરિભક્તોને દર્શન માટે શુક્રવાર અને શનિવાર બપોર સુધી પાર્થિવ દેહ અહીં રાખવામાં આવશે.

શનિવારે બપોરે બે કલાક બાદ બાપજીના પાર્થિવ દેહની અગ્નિ સંસ્કાર વિધિ કરવામાં આવશે. તે વખતે પણ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીઓ, ધારાસભ્યો, વેપારીઓ અને અન્ય મહાનુભાવો હાજર રહેશે. ઉલ્લેખનીય છે કે બાપજીએ પોતાની હયાતીમાં જ સંસ્થાના અનુગામી તરીકે પ.પુ.સત્યસંકલ્પદાસજી સ્વામીની નિમણૂંક કરવાની સાથે સંસ્થાના બંધારણની રચના પણ કરી દીધી હતી.