સીસીસીની પરીક્ષા પાસ કરવાની મુદત હવે ૨૦૨૪ ના અંત સુધી વધારી
સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને ભથ્થાની લહાણી ઃ હવે બઢતી અને ઉચ્ચતર પગારધોરણ નહી અટકે
વડોદરા, તા.24 સરકારી કર્મચારીઓની બઢતી તેમજ ઉચ્ચતર પગારધોરણ માટે બાધારૃપ બનતી કોમ્પ્યુટર કૌશલ્યની સીસીસી અને સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવા માટેની સમયમર્યાદા વધુ એક વખત વધારવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સરકારી કર્મચારીઓ માટેની બઢતી તેમજ ઉચ્ચતર પગારધોરણ મેળવવા માટે કોમ્ય્યુટર કૌશલ્યને સંબંધિત સીસીસી અને સીસીસી પ્લસની પરીક્ષા પાસ કરવી જરૃરી હતી અને તે માટે સૌપ્રથમ વખત જાહેરનામું બહાર પાડીને તા.૩૧ માર્ચ ૨૦૦૭ સુધી પરીક્ષા પાસ કરવા માટેની સમયમર્યાદા આપવામાં આવી હતી. પ્રથમ વખત મુદત આપ્યા બાદ આ મુદતોમાં વધારો થતો ગયો હતો.
બાદમાં તા.૩૧ ડિસેમ્બર ૨૦૧૩ સુધીની મુદત વધારવામાં આવી હતી અને ત્યાર પછી ફરીથી તા.૩૦ જૂન ૨૦૧૬ સુધીની મુદતમાં વધારો કરાયો હતો. છેલ્લે તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૦ સુધીની મુદતમાં વધારો આપી સરકારે એવી જાહેરાત કરી હતી કે આ મુદત બાદ પરીક્ષા પાસ કરી હશે તેવા કર્મચારી અને અધિકારીઓને જે તારીખે પરીક્ષા પાસ કરી હ ોય તે તારીખથી શરતો પૂર્ણ કરવાને આધીન ઉચ્ચતર પગારધોરણ અને બઢતી મળવાપાત્ર થશે.
બાદમાં કોરોના તેમજ હાલમાં કર્મચારીઓના સતત આંદોલનના કારણે સરકારે આખરે નમવું પડયું હતું અને સરકારી અધિકારીઓ તેમજ કર્મચારીઓને મળતા લાભો સીસીસી અને સીસીસી પ્લસ પરીક્ષાના કારણે અટકે નહી તે માટે આજે નવું જાહેરનામું બહાર પાડીને કર્મચારીઓને તા.૩૧ ડિસેમ્બર ૨૦૨૪ સુધી પરીક્ષા પાસ કરવાની મુદતમાં વધારો કરી આપ્યો છે. એટલું જ નહી પરંતુ જે તારીખે પરીક્ષા પાસ કરી હોય ત્યારથી ઉચ્ચતર પગારધોરણનો લાભ હતો તેમાંથી પણ મુક્તિ આપવામાં આવી છે.