For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

કોંગ્રેસ શાસિત ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખે જ રાજીનામું આપ્યું

Updated: Oct 11th, 2022

કોંગ્રેસ શાસિત ગાંધીનગર તાલુકા પંચાયત પ્રમુખે જ રાજીનામું આપ્યું

પક્ષામાં આંતરિક રાજકારણની 'સંગીત ખુરશી'

અન્ય સદસ્યને પ્રમુખ બનાવવા રાજીનામું તો અપાવ્યું પણ ભાજપની જિલ્લા પંચાયતમાં મંજુર કરાવવું મુશ્કેલ

ગાંધીનગર :  એક સમયે ગાંધીનગર જિલ્લાને કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ આંતરિક વિખવાદો-ખેંચતાણ અને નબળી નેતાગીરીને કારણે હવે ગાંધીનગરમાં ભાજપનું રાજ છે.તેમાં સમ ખાવા પુરતી ગાંધીનગર તાલુકા પંચાયત કોંગ્રેસના પંજામાં હજુ સચવાયેલી રહી છે ત્યારે છેલ્લી અઢી વર્ષની ટર્મ માટે પ્રમુખ બનેલા ગોપાળજી ઠાકોરે પોતાના જ પક્ષના અન્ય સદસ્યને પ્રમુખનો મોકો આપવા માટે રાજીનામું આપ્યું છે પરંતુ આચારસંહિતા લાગું પડે તે પહેલા હવે ભાજપની જિલ્લા પંચાયતમાં તે મંજુર કરાવવું મુશ્કેલ છે.

કોંગ્રેસમાં આંતરિક રાજકારણ પરાકાષ્ટાએ છે તેઓ વધુ એક નમૂનો સામે આવ્યો છે.ભાજપની મોટાભાગની બેઠકો ગાંધીનગર કોર્પોરેશનમાં ભળી જવાથી કોંગ્રેસના હાથમાંથી સરકી ગયેલી ગાંધીનગર તાલુકા પંચાયતની ખૂરશી ફરી પાછી પંજામાં આવી હતી અને કોંગ્રેસે સર્વ સંમતીથી ટીંટોડા બેઠકના ગોપાળજી ઠાકોરને પ્રમુખ બનાવ્યા હતા. અઢી વર્ષની છેલ્લી ટર્મ પૈકી છેલ્લા સવા વર્ત માટે અન્ય ઉમેદવારને પણ પ્રમુખનો મોકો મળે તે માટે વારંવાર સદસ્યો, ધારાસભ્યો-નેતા અને મોવડી મંડળે ગોપાળજીને રાજીનાામું આપવા માટે કહ્યું હતું પરંતુ ગોપાળજી રાજીનામું આપતા ન હતા હવે વિધાનસભાની સામી ચૂંટણી છે તે પહેલા વધતાજતા દબાણને પગલે આખરે ગોપાળજી ઠાકોરે પ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. ગાંધીનગર તાલુકા વિકાસ અધિકારીને ઉદ્દેશીને આ રાજીનામું રજીસ્ટ્રી શાખામાં આપવામાં આવ્યું હતું. હવે આ રાજીનામું મંજુર કરવા માટે ગાંધીનગર જિલ્લા પંચાયત ખાતે મોકલી આપવામાં આવશે. જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આ રાજીનામું મંજુર કરવામાં આવે ત્યાર બાદ જ નવા પ્રમુખની વરણી થશે. આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો બધો સમય લાગી જાય તેમ છે તેથી આચરસંહિતા લાગુ પડે તે પહેલા નવા પ્રમુખની વરણી કરવી મુશ્કેલ છે.

તાલુકા પંચાયત પ્રમુખનું રાજીનામું તકવાદી ભાજપ માટે સત્તાનો મોકો

ગાંધીનગરમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પૈકી બે જ સંસ્થા કોંગ્રેસના પંજામાં છે જે પૈકી ગાંધીનગર તાલુકા પંચાયતના પ્રમુખ ગોપાળજી ઠાકોરે પોતાના જ પક્ષના અન્ય સદસ્ય પ્રમુખ બને તે માટે રાજીનામું તો આપ્યું છે પરંતુ પક્ષના અન્ય સદસ્ય માટે આપવામાં આવેલુ રાજીનામું ભાજપ માટે તાલુકા પંચાયતમાં પણ કમળ ખીલવવા માટેની એક તક સમાન છે. કોંગ્રેસની આંતરિક જુથબંધી અને નારાજગીની તકને ઝડપીને ભાજપ તડજોડની રાજનીતિ કરી શકે છે. તો બીજીબાજુ હવે જ્યારે ગોપાળજીનું રાજીનામું મંજુર થવા ભાજપની જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં આવશે ત્યારે તેને મંજુર નહીં કરીને પણ ભાજપ કોંગ્રેસમાં આંતરિક વિખવાદોને જન્મ આપી શકશે જે ભાજપને વિધાનસભાની ચૂંટણી વખતે કામમાં આવશે.

Gujarat