Get The App

મુખ્યમંત્રી 1 લાખ સુધીની લોનના અરજદારોને ચેકનું વિતરણ કરશે

- આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના જન્મદિને વનમહોત્સવનો શુભારંભ

- ગુજરાતના નવા પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ સાથે મુખ્યમંત્રી સુરતની કોરોના હોસ્પિટલની મુલાકાત લેશે

Updated: Aug 1st, 2020

GS TEAM

Google News
Google News
મુખ્યમંત્રી 1 લાખ સુધીની લોનના અરજદારોને ચેકનું વિતરણ કરશે 1 - image


(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ, તા. 01 ઓગસ્ટ, 2020, શનિવાર

મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમના 65માં જન્મદિવસે રાજકોટમાં કોરોનાની મહામારીને કારણે ધંધારોજગારથી વંચિત થયેલા લોકો માટે બે ટકાના વ્યાજ દરે રૂા. 1 લાખનું ધિરાણ આપવાની યોજના હેઠળ પાંચ જણને ટોકન ચેકનું વિતરણ કરશે.

રાજકોટ નાગરિક સહકારી બૅન્કમાં આ યોજના હેઠળ 10,000 અરજદારોએ લોન માટે અરજી કરી છે. આ અરજીઓ પટે રૂા. 100 કરોડની લોનનું વિતરણ કરવામાં આવશે. લોનનું વિતરણ કરતાં પૂર્વે મુખ્યમંત્રી વિજય રૂપાણી સવારે રાજકોટમાં જ રાજ્યકક્ષાના વનમહોત્સવનો શુભ આરંભ કરાવશે.

ત્યારબાદ એક લાખની લોન માટે અરજી કરનારાઓમાંથી મંજૂરી મેળવનારા 10,000માંથી ટોકન 5 જણને ચેકનું વિતરણ કરાવીને યોજનાનો આરંભ કરાવશે. સમગ્ર ગુજરાતની સહકારી બૅન્કોમાં આ યોજના અંતર્ગત અંદાજે 50,000થી વધુ અરજદારોએ રૂા. 500 કરોડની લોન માટે અરજીઓ મૂકી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જન્મ દિવસે પણ પ્રજાની વચ્ચે રહેવાનું પસંદ કરતાં વિજય રૂપાણી બપોર પછી ગુજરાત પ્રદેશ ભાજપના નવા પ્રમુખ તરીકે નિયુક્ત થયેલા સી.આર. પાટીલ સાથે સુરત જશે અને સુરતમાં તેઓ કોરોના માટે ખાસ તૈયાર કરવામાં આવેલી હોસ્પિટલની મુલાકાત લેશે.

આ મુલાકાત બાદ તેઓ સુરતના કલેક્ટર સહિતના ઇતર અધિકારીઓ, હોસ્પિટલના ડૉક્ટર્સ સાથે મળીને કોરોનાના સંક્રમણને નિયંત્રણમાં લેવા માટેના પગલાં લેશે. જિલ્લા વિકાસ અધિકારીને મળીને તેમની સાથે પણ મસલત કરશે. આ તમામ સાથે કોરોનાની વર્તમાન સ્થિતિને વધુ સારી રીતે અંકુશમાં લેવાને મુદ્દે ચર્ચા પણ કરશે.

Tags :