કોરોનાની ગાઇડલાઇનનું પાલન કરીને ભક્તો ઉજવણી કરી શકશેઃમટકી
ફોડ, નંદ
મહોત્સવનું ઠેરઠેર આયોજન
ગાંધીનગર:
ભગવાન શ્રીકૃષ્ણને પારણે ઝુલાવવાનો અવસર એટલે જન્માષ્ટમીનું પાવન પર્વ. આ
પર્વમાં ભગવાન શ્રીકૃષ્ણનો જન્મ થવાનો રૃડાઅવસરને દરેક લોકો મન મુકીને ઉજવે છે.
જન્માષ્ટમીના પાવન પર્વમાં પૌરાણીક માન્યતાઓ પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણને મધરાત્રે
પારણે ઝુલાવીને નંદ મહોત્સવનું આયોજન કરવામાં આવતું હોય છે. ગાંધીનગર શહેર અને
જિલ્લામાં પણ શ્રાવણ માસના પવિત્ર દિવસોમાં આવતાં આ પાવન પર્વની તૈયારીઓ પણ અંતિમ
તબક્કામાં છે. વિવિધ મંદિરો અને અન્ય ધાર્મિક સ્થળો ઉપર જન્માષ્ટમીના પર્વના દિવસે
મેળો પણ યોજાતો હોય છે. ત્યારે છેલ્લા દોઢ વર્ષથી કોરોનાનો કપરોકાળ ચાલી રહ્યો છે.
ત્યારે ગત વર્ષે દર્શન સહિત અન્ય કાર્યક્રમો અને મેળાને પણ મંજુરી આપવામાં આવી ન
હતી આમ આ વર્ષે સરકાર દ્વારા જે ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે તેમાં દર્શન અને
અન્ય ઉત્સવોની ઉજવણી ભક્તો કરી શકશે તો મેળાને મંજુરી આપવામાં આવી નથી. તો ઠેર ઠેર મટકી ફોડ અને નંદ મહોત્સવ પણ
યોજાશે. શહેરના સ્વામિનારાયણ મંદિર સેક્ટર-૨ ખાતે જન્માષ્ટમી પર્વ નિમિત્તે
હિંડોળા પ્રદર્શન સવારે ૮ થી ૧૨ અને સાંજે ૪ થી રાત્રીના ૧૨ કલાક સુધી ખુલ્લુ રહેશે.
ઉપરાંત રાત્રે ૯ થી ૧૨ કલાક દરમિયાન કૃષ્ણજન્મોત્સવની ઉજવણી કરાશે. લોહાણા યુવા
સંગઠન દ્વારા જલારામ મંદિર સેક્ટર-૨૯ ખાતે
ધાર્મિક કાર્યક્રમોની સાથે સાથે ૧૨ કલાક
કૃષ્ણજન્મોત્સવ તથા આરતી દર્શન યોજાશે. તો
શહેરમાં આવેલા અન્ય દેવ મંદિરોમાં પણ જન્માષ્ટમી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં
આવશે. તો બીજી તરફ ગાંધીનગર જિલ્લામાં આવેલાં ગ્રામ્ય વિસ્તારના મંદિરોમાં પણ આ
દિનને અનુરૃપ કૃષ્ણ જન્મોત્સવ સહિત મટકી ફોડ જેવા કાર્યક્રમો કોરોનાની ગાઇડલાઇનનું
પાલન કરીને યોજાશે. આમ શહેરમાં મધરાત્રે નંદ ઘેર આનંદ ભર્યાના નાદથી મંદિરો ગુંજી
ઉઠશે.


