વડોદરા: બિલ્ડર અને તેની પત્નીએ ધંધા માટે રૂ.1.25 કરોડ લીધા બાદ ચૂનો ચોપડયો
વડોદરા,તા.24 માર્ચ 2022,ગુરૂવાર
વડોદરાના વાઘોડિયા વિસ્તારમાં રહેતા બિલ્ડરે તેના પિતા પાસે ધંધા માટે એક મહિનાની મુદત આપી લીધેલા રૂ. સવા કરોડ પરત નહીં કરતા બંને પતિ પત્ની સામે પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
અકોટાની શ્રી નગર સોસાયટી ખાતે ગીરીરાજ કોમ્પ્લેક્સમાં રહેતા સિનિયર સિટીઝન પ્રફુલભાઇ પટેલે પોલીસને કહ્યું છે કે દસ વર્ષ પહેલા બિલ્ડર હરેશ શાહ સાથે પરિચય થયા બાદ કૌટુંબિક સંબંધો બંધાયા હતા.
હરેશભાઈના પુત્રી શ્વેતાબેન અને જમાઈ હિરેનકુમાર બક્ષી પણ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે જોડાયેલા હોવાથી જાન્યુઆરી-2018 માં અમે તેઓની સાઈટ સુખધામ રેસીડન્સી, વાઘોડિયા રોડની ઓફિસમાં ભેગા થયા હતા.
આ વખતે હિરેન અને શ્વેતાએ ધંધાના કામમાં તાત્કાલિક રૂ.50 લાખની જરૂર હોવાનું કહી માર્ચ -2018 સુધીમાં રકમ પરત આપી દેવાની ખાત્રી આપતા મેં મારી પત્નિના નામે ઈન્ડસઈન્ડ બેંક માંથી ઓવરડ્રાફ્ટ લઈ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ બંને પતિ-પત્નીએ અમારી સાથે સમજૂતી કરાર કરીને ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ મેઈન્ટેઈન કરવાની જવાબદારી લીધી હતી.
પ્રફુલભાઇએ ફરિયાદમાં કહ્યું છે કે, હિરેન અને શ્વેતાએ ઓક્ટોબર 2018 સુધી ઓવરડ્રાફ્ટ એકાઉન્ટ મેન્ટેન કર્યું હતું. ત્યારબાદ તેમણે મારી પાસે બીજા 75 લાખ રૂપિયા માંગ્યા હતા. આ રકમ પર સારું વળતર આપવાની ખાતરી આપતા હું લાલચમાં આવી ગયો હતો. ફરીથી બેન્ક ઓવરડ્રાફ્ટ લઈને આ રકમ પણ તેમના ખાતામાં ટ્રાન્સફર કરી હતી. પરંતુ આજ સુધી તેમણે રૂપિયા ચૂકવાયા નથી અને નોટિસ મોકલતા આવી કોઈ રકમ લીધી નથી તેવો જવાબ આપી રહ્યા છે.
ગોત્રી પોલીસે ફરિયાદના આધારે હિરેન કુમાર બક્ષી અને શ્વેતાબેન બક્ષી (ચિત્રકૂટ સોસાયટી વાઘોડિયા રોડ) સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.