દુલ્હન માથે ફેંટો બાંધી બગ્ગીમાં સવાર થઇ વરઘોડા જેમ વાજતે ગાજતે નીકળી
મારા પિતાએ છોકરીનો વરઘોડો કાઢી સાબિત કર્યુ છે કે દીકરો-દીકરી એકસમાન છે ઃ દુલ્હન
વડોદરા, તા.1 ફેબ્રુઆરી, શનિવાર
લગ્ન કરવા જતા કોઇ યુવકનો વરઘોડો સૌ કોઇએ નિહાળ્યો હશે પરંતુ વડોદરાના ગોત્રી વિસ્તારમાં વરઘોડો નહી પરંતુ યુવતીના કુટુંબીજનોએ ધામધૂમથી કન્યાને બગ્ગીમાં બેસાડી વરઘોડો કાઢતા ગોત્રી ગામમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
ગોત્રી ગામમાં રહેતા પ્રવિણભાઇ બ્રહ્મભટ્ટ સરકારી કર્મચારી છે તેમને સંતાનમાં એક માત્ર પુત્રી પ્રાચી છે. જો કે પ્રવિણભાઇએ પુત્રીને પુત્ર માની જ તેનો ઉછેર કર્યો હતો. પુત્રીને ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરાવ્યો હતો અને બાદમાં વડોદરાના યુવાન સાથે જ તેના લગ્ન નક્કી થયા હતાં. લગ્ન વસંત પંચમીના દિવસે ગોઠવાયા હતાં પરંતુ તે પહેલા પ્રવિણભાઇની ઇચ્છા પુત્રીનો વરઘોડો કાઢવાની હોવાથી તે ઇચ્છાને સૌ કુટુંબીજનોએ વધાવી લીધી હતી.
વસંત પંચમીના દિવસે લગ્નની આગલી રાત્રે ગોત્રી ગામમાં પ્રવિણભાઇના ઘેરથી તેમની પુત્રી પ્રાચીનો વાજતે ગાજતે વરઘોડો નીકળ્યો હતો. માથે ફેંટો બાંધીને પ્રાચી બગ્ગીમાં બેસી ગોત્રીના માર્ગો પર નીકળી ત્યારે તેને નિહાળવા લોકો હરખથી ઉભા રહ્યા હતાં. વરઘોડામાં જાનૈયાઓ હોશભેર નાચે તેવી રીતે માંડવિયા (કન્યા પક્ષના સભ્યો) હર્ષભેર હિન્દી ફિલ્મી ગીતોના તાલે નાચ્યા હતા અને ગરબે પણ ઘુમ્યા હતાં.
પ્રાચીએ જણાવ્યું હતું કે હંમેશા છોકરાનો વરઘોડો નીકળે છે પરંતુ છોકરીનો વરઘોડો કાઢીને મારા પિતાએ સાબિત કર્યુ છે કે છોકરો અને છોકરી એક સમાન છે. મારા પિતા દીકરો-દીકરી એક સમાનમાં માને છે એટલે જ લગ્ન પૂર્વે જેમ છોકરાનો વરઘોડો કાઢવામાં આવે છે તેવો હરખભેર મારો વરઘોડો કાઢ્યો હતો, હું ખૂબ ખુશ છું. જ્યારે પ્રાચીના પિતરાઇ ભાઇ ઉમંગ બ્રહ્મભટ્ટે પણ કહ્યુ હતું કે મારા કાકા એવું માનતા હતા કે છોકરો નથી તો ચિંતા નથી ઘરમાં છોકરા સમાન છોકરી તો છે અને તેમની ઇચ્છા સૌએ ભેગા મળીને પૂર્ણ કરી છે.