અમદાવાદમાં ચોમાસું જામ્યું : સરેરાશ સવા બે ઇંચ વરસાદમાં જળબંબાકાર
- ભાદરવો ભરપૂરની ઉક્તિ સાચી ઠેરવી રહેલા મેઘરાજા
- સરખેજમાં 4 ઇંચ, ચકુડિયા, પાલડી, વિરાટનગર, ગોતામાં 2.50 ઇંચ, વટવામાં 1 ઇંચ : વાસણા બેરેજના 3 દરવાજા ખોલી નખાયા
અમદાવાદ, તા. 31 ઓગસ્ટ, 2020, સોમવાર
અમદાવાદમાં ભાદરવો ભરપૂરની ઉક્તિને સાચી ઠેરવતો વરસાદી માહોલ છેલ્લા છ દિવસથી બરાબરનો જામ્યો છે. ગઈકાલ સુધીના હળવા અને ઝરમરિયા વરસાદે આજે બપોરના ભારે મેઘગર્જના અને વીજળીના કડાકા સાથે બરાબરનું જોર પકડયું હતું.
ભરબપોરે અંધારૂં થઈ જતાં રોડ પર વિઝિબિલીટી એકદમ ઘટી ગઈ હતી. સરખેજમાં સૌથી વધુ 4 ઇંચ અને વટવામાં સૌથી ઓછો 1 ઇંચ, સરેરાશ સવા બે ઇંચ વરસાદમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. મ્યુનિ. કોર્પોરેશનનો પ્રિ-મોન્સૂન પ્લાન શોધ્યો જડતો ના હતો. ક્યાંક તો નહીવત વરસાદમાં પણ રોડ પર પાણી ફરી વળ્યા હતા.
શહેરના લગભગ તમામ વિસ્તારોમાં આજે સવારના હળવા ઝાપટાં બાદ બપોરના સમયે ધોધમાર વરસાદ ભારે પવનના સૂસવાટા, મેઘગર્જના અને વીજળીના તેજલિસોટા સાથે શરૂ થયો હતો. વાતાવરણ એ હદે ગોરંભાયેલું છે કે રાતના પણ ચાલુ રહેશે તેમ જણાય છે.
દરમ્યાનમાં શાંતિવન ચારરસ્તા, મેઘમણી, શ્રેયસ બ્રિજ નીચે, વિકાસગહ રોડ, વાસણા બેરેજ, અમન આકાશ, પ્રજાપતિ ગાર્ડન, જયદીપ ટાવર, માણેકબાગ, ગાયત્રી ગરનાળા, વંદે માતરમ પ્લેટ, નવા શારદામંદિર, 137 બસ સ્ટેન્ડ,વ્યાસવાડી, નવયુગ ચારરસ્તા, મકરબા રોડ, સોનલ રોડ, આંબાવાડી બજાર, એઇસી અને હેલ્મેટ બ્રિજ, સૈજપુર ટાવર, સૈજપુર ગરનાળા, બંગલા એરિયા, મેઇનરોડ, ભાર્ગવ રોડ, કુબેરનગર બજાર, નરોડા રોડની ચાલીઓ, ત્રિકમલાલનું ચોકઠું, હાટકેશ્વર સર્કલ, ચકુડિયા, માનસી ચારરસ્તા વગેરે સ્થળોએ પાણી ભરાઈ ગયા હતા. મ્યુનિ.ના કન્ટ્રોલ રૂમને જ પાણી ભરાયાની 24 જેટલી ફરિયાદો મળતા તંત્ર દોડતું થયું હતું.
મીઠાખળી અન્ડરપાસમાં વધુ પાણી ભરાતા થોડો સમય બંધ કરાયો હતો. બાકીના અન્ડર પાસમાં થોડું થોડું પાણી બંધ કરવાની જરૂર પડી ના હતી. દરમ્યાનમાં આજે સાંજે 6 વાગ્યે વાસણા બેરેજનું લેવલ 127.50 ફૂટ નોંધાયું છે.
નદીમાં સંત સરોવરમાંથી 140, ધરોઈમાંથી 50 અને નર્મદા કેનાલમાંથી 5280 ક્યુસેક મળીને કુલ 5470 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. તેની સામે 5118 ક્યુસેકની જાવક નદીમાં કરવામાં આવી રહેલ છે. આ માટે વાસણા બેરેજના 3 દરવાજા ખોલી નખાયા છે.
વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા 10 વૃક્ષો ધરાશાયી
આજે બપોરના ભારે વરસાદ દરમ્યાન ભારે પવન ફૂંકાતા પશ્ચિમ ઝોનમાં વાસણા, નવરંગપુરા, નારણપુરા, આંબાવાડી, ઉસ્માનપુરા વગેરે વિસ્તારોમાં પાંચ વૃક્ષો ઉથલી પડયા છે. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં કામેશ્વર વિદ્યામંદિર સ્કૂલની દિવાલ પર વૃક્ષ તૂટી પડતા નીચે પાર્ક કરેલી બે કાર દબાઈ ગઈ હતી અને વાહન વ્યવહાર માટે થોડા સમય માટે રોડ બંધ થઈ ગયો હતો. આ જ ઝોનમાં વધુ એક ઝાડ પડયું છે. દક્ષિણ ઝોનમાં નિગમ સોસા., વટવા સહિત બે સ્થળે વૃક્ષો ધરાશાયી થયા છે. મધ્ય ઝોનમાંં એક મળીને કુલ 10 વૃક્ષો ઉથલી પડયા છે.
પાંચ વર્ષનો વિક્રમ તોડવા તરફ આગળ વધતું ચોમાસુ
વર્ષ |
વરસાદ |
કેટલા દિવસ |
|
(ઇંચમાં) |
વરસાદ |
2015 |
22.43 |
35 |
2016 |
22.64 |
65 |
2017 |
41.33 |
59 |
2018 |
16.31 |
58 |
2019 |
33.97 |
61 |
2020 |
34.58 |
66 |
કયા વિસ્તારમાં કેટલો વરસાદ
વિસ્તાર |
આજનો |
મોસમનો કુલ |
|
(મી.મી.) |
(મી.મી.) |
ચકુડિયા |
62.00 |
907.00 |
ઓઢવ |
49.00 |
921.50 |
વિરાટનગર |
59.00 |
884.50 |
પાલડી |
60.50 |
951.00 |
ઉસ્માનપુર |
46.00 |
933.00 |
ચાંદખેડા |
28.00 |
895.50 |
રાણીપ |
34.00 |
870.00 |
બોડકદેવ |
44.00 |
810.50 |
ગોતા |
55.50 |
808.50 |
સરખેજ |
98.50 |
1036.50 |
ખમાસા |
55.00 |
887.50 |
દુધેશ્વર |
37.50 |
938.00 |
મેમ્કો |
40.50 |
889.50 |
નરોડા |
46.00 |
873.00 |
કોતરપુર |
34.00 |
777.50 |
મણીનગર |
42.50 |
901.00 |
વટવા |
22.00 |
820.50 |
સરેરાશ |
52.10 |
860.96 |
- |
- |
(34.28 ઇંચ) |