લોખંડી પોલીસ બંદોબસ્ત હોવા છતાં તા.26 ડિસેમ્બરે આતંકી જાફર અલી બિન્ધાસ્ત વડોદરા આવી ગયાે
વડોદરા,તા.10 જાન્યુઆરી,2020,શુક્રવાર
વડોદરા પોલીસનું ઘનિષ્ટ ચેકિંગ ચાલતું હતું તે દરમિયાન આતંકી જાફર અલી વડોદરામાં પ્રવેશ્યો હતો અને ગોરવાના મકાનમાં છુપાઇ ગયો હતો.
દિલ્હીમાં પકડાયેલા તામિલનાડુના ત્રણ આતંકીઓનો સાગરીત જાફર અલી ઉર્ફે ઉમર મધ્ય ગુજરાતમાં આઇએસઆઇએસનું નેટવર્ક ઉભું કરવા માટે આવ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
ગુજરાત એટીએસને તામિલનાડુના આતંકીઓ વિશે એલર્ટ કરવામાં આવી હતી.તામિલનાડુથી ભાગી છુટેલા આતંકીઓ આઇએસઆઇએસ થી પ્રભાવિત હોવાના કારણે તેઓ ગુજરાત સહિતના રાજ્યોમાં આઇએસઆઇએસનું નેટવર્ક ઉભું કરવાની યોજના લઇ ઘૂસી શકે છે તેવા ઇનપુટ ગુજરાત પોલીસને મળ્યા હતા.
દિલ્હીમાં ત્રણ આતંકી પકડાતાં તેમની પાસે જાફર અલી ઉર્ફે ઉમર તેમજ અન્ય બે સાગરીતોની કેટલીક વિગતો ખૂલી હતી.જેના આધારે ગુજરાત એટીએસની ટીમે વડોદરા પોલીસને સાથે રાખી ગોરવાના પંચવટી સર્કલ પાસેની વસાહતમાં છુપાયેલા જાફર અલીને દબોચી લીધો હતો.
પ્રાથમિક તબક્કે જાફર અલી જંબુસરમાં રોકાયો હોવાની અને ગઇ તા.૨૬ ડિસેમ્બરે વડોદરા આવ્યો હોવાની વિગતો જાણવા મળી છે.નવાઇની વાત એ છે કે,જો આ દિવસે તે આવ્યો હોય તો તે સમયગાળા દરમિયાન ક્રિસમસ અને થર્ટી ફર્સ્ટ ના કારણે શહેરમાં લોખંડી પોલીસ બંદોબસ્ત હતો અને ઠેર ઠેર નાકાબંધી હતી.આમ છતાં આતંકી જાફરને આસાનીથી વડોદરામાં ઘૂસાડી તેના આશ્રય સ્થાને પહોંચાડી દેવામાં આવ્યો હતો.