Get The App

વડોદરામાં ઉંડેરા-લક્ષ્મીપુરા રોડ પરના જોખમી ખુલ્લો કાંસમાં વધુ એક ટેમ્પો ખાબકયો

Updated: Jan 3rd, 2023

GS TEAM


Google News
Google News
વડોદરામાં ઉંડેરા-લક્ષ્મીપુરા રોડ પરના જોખમી ખુલ્લો કાંસમાં વધુ એક ટેમ્પો ખાબકયો 1 - image

- ચાર વર્ષમાં 50 વાહનો કાંસમાં પડી ચુકયા છે

વડોદરા,તા.3 જાન્યુઆરી 2023,મંગળવાર

શહેરના છેવાડે આવેલા ઉંડેરા ગામથી લક્ષ્મીપુરા તરફ જતા રસ્તાને સમાંતર ખુલ્લા કાંસમાં આજે વધુ એક વાહન ખાબકયુ હતુ. આ ખુલ્લો કાંસ વાહનો માટે ગોઝારો બની ચુકયો છે.આજે સવારે પાણીના જગ લઈને જતો ટેમ્પો કાંસમાં ખાબકતા દોડધામ મચી ગઈ હતી.સ્થાનિક લોકોએ માંડ માંડ ટેમ્પા ચાલકને મદદ કરીને તેને બહાર કાઢ્યો હતો.ચાલકને નાની મોટી ઈજાઓ થઈ હતી.

બીજી તરફ આ વિસ્તારના કાર્યકર જોગેશ્વરી મહારાઉલનુ કહેવુ છે કે, છેલ્લા ચારેક વર્ષમાં આ કાંસમાં 50 જેટલા વાહનો ખાબકી ચુકયા છે.જેમાં સ્કૂલે જતા વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.આ પહેલા એક મોટી ટ્રક પણ કાંસમાં પડી હતી.ટુ વ્હીલર ચાલકો પણ કાંસમાં પડીને ઈજાગ્રસ્ત થઈ ચુકયા છે.

તેમના કહેવા અનુસાર પહેલા આ વિસ્તાર જિલ્લા પંચાયત હેઠળ આવતો હતો પણ હવે તેને શહેરમાં સમાવાયો છે અને તે કોર્પોરેશન હેઠળ આવે છે.ખુલ્લા કાંસને બંધ કરવાની કે પછી રોડની બાજુમાં સંરક્ષણ દિવાલ બનાવવાની માંગણી તો છેલ્લા 10 વર્ષ કરતા વધારે સમયથી લોકો કરી રહ્યા છે પણ તંત્રના બહેરા કાન પર રજૂઆત દર વખતે અથડાઈને પાછી ફરી છે.

આ રોડની આસપાસ હવે મોટા પાયે સોસાયટીઓ અને એપાર્ટમેન્ટો પણ બન્યા છે અને રોડ પર અવર જવર પણ વધી છે ત્યારે ખુલ્લા કાંસના કારણે અકસ્માતોનુ જોખમ પણ વધી ગયુ છે.કાંસને બંધ કરવામાં આવે તો લોકોને દુર્ગંધ અને મચ્છરોના ત્રાસથી પણ છુટકારો મળે તેમ છે.

Tags :