વડોદરા નજીકના સરાર ગામે હનુમાન ચાલીસા નહીં વગાડવા મંદિરના પૂજારીને ધમકી
અજાનના સમયે હનુમાન ચાલીસા વગાડી તો જોયા જેવી થશે : પૂજારીને પોલીસ પ્રોટેક્શન અપાયું
વડોદરા,શહેર નજીકના કાશીપુરા સરાર ગામે સવારના સમયે રામજી મંદિર માં વાગી રહેલ હનુમાન ચાલીસા અજાન સમયે નહીં વગાડવા વિધર્મી યુવક દ્વારા મંદિરના પૂજારીને ધમકી આપી હતી. જે અંગે પૂજારીએ વરણામા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ધમકી આપનાર યુવકની અટકાયત કરી હતી.
વડોદરા નજીકના કાશીપુરા સરાર ગામે દિનેશચંદ્ર રામચરણ શર્મા રહે છે .જે મૂળ રાજસ્થાનના વતની છે .અને હાલ સરાર ગામે રામજી મંદિરે પૂજારી તરીકે સેવા આપે છે.તેમણે જણાવ્યું છે કે, ગુરુવારે સવારે રોજના નિત્યક્રમ મુજબ સવારના સમયે મંદિરમાં હનુમાન ચાલીસા વાગે રહી હતી. ત્યારે ગામમાં રહેતો માહીર અજીતભાઈ મલેક મંદિર પાસે આવ્યો હતો .તેણે મને હનુમાન ચાલીસા અજાનના સમયે નહી વગાડવા માટે ધમકી આપી બોલાચાલી કરી ધમકી આપી હતી કે,અજાનના સમયે હનુમાનચાલીસા વગાડી તો મજા નહીં આવે ,અને જોયા જેવી થશે .
મંદિરના પૂજારી દ્વારા વરણામા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાતા પોલીસે મંદિરના પૂજારીને ધમકી આપનાર વિધર્મીની અટકાયત કરી હતી .અત્રે ઉલ્લેખની બાબત એ છે કે સરાર ગામે અગાઉ કોમી અથડામણ થઈ હતી .પૂજારીને આ ધમકીના પગલે પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે.