10 ડિગ્રી ટેમ્પરેચર સાથે વડોદરા ટાઢુબોળ બન્યુ
વડોદરા,તા.9.જાન્યુઆરી,ગુરુવાર,2020
ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોમાં મંગળવારની રાતથી થઈ રહેલી હિમ વર્ષાના પગલે ગુજરાતમાં પણ વડોદરા સહિતના શહેરોના વાતાવરણમાં બુધવારે સાંજથી નાટયાત્મક પલટો આવ્યો હતો.
બુધવારે સાંજ પછી અચાનક જ ઠંડીનુ પ્રમાણ વધી ગયુ હતુ અને ૨૪ કલાકમાં તો તાપમાનના પારામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો.શહેરના તાપમાનમાં છેલ્લા ૨૪ કલાકમાં જ ૪.૬ ડિગ્રીનો ઘટાડો થતા ગુરુવારે તાપમાનનો પારો ગગડીને ૧૦ ડિગ્રી પર પહોંચતા આજનો દિવસ મોસમનો અત્યાર સુધીનો કોલ્ડેસ્ટ ડે બની ગયો હતો.
બુધવારે શહેરનુ લઘુત્તમ તાપમાન ૧૪.૬ ડિગ્રી અને આજે ગુરુવારે ૧૦ ડિગ્રી નોંધાયુ હતુ.જ્યારે મહત્તમ તાપમાન આજે ૨૪ ડિગ્રી નોંધાયુ હતુ.મહત્તમ તાપમાનમાં પણ ૨.૮ ડિગ્રીનો ઘટાડો બુધવારની સરખામણીમાં નોંધાયો હતો.
ઉત્તર પૂર્વ તરફથી ફૂંકાતા બર્ફિલા પવનોની ગતિમાં પણ વધારો થયો હતો.આજે ઠંડી વચ્ચે પ્રતિ કલાક ૧૮ કિમીની ઝડપે ફૂંકાયેલા પવનોના કારણે ઠંડીની અસર વધી હતી.
સવારથી જ શહેરીજનો ગરમ કપડામાં સજ્જ થઈને કામ ધંધે નિકળેલા જોવા મળ્યા હતા.સાંજ પછી તિવ્ર ઠંડીની અસર જન જીવન પર પણ જોવા મળી હતી.રાતના સમયે બહાર બેઠેલા લોકોને તાપણાનો સહારો લેવાનો વારો આવ્યો હતો.