ગુજરાતના સરેરાશ તાપમાનમાં એક ડિગ્રી જેટલો વધારો થયો છે
વડોદરા,તા.25.જાન્યુઆરી,શનિવાર,2020
વિશ્વની જેમ ગુજરાતના પર્યાવરણ પર પણ ક્લાઈમેટ ચેન્જ અને ગ્લોબલ વોર્મિંગની અસર પડી છે અને ૧૯૭૫ થી ૨૦૧૭ની વચ્ચે ગુજરાતના સરેરાશ તાપમાનમાં એક ડિગ્રીનો વધારો થયો છે તેમ ગુજરાતના ક્લાઈમેટ ચેન્જ વિભાગના ટેકનિકલ એડવાઈઝર અને એમ.એસ.યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી શ્વેતલ શાહે કહ્યુ હતુ.
વડોદરામાં આજે ક્લાઈમેટ ચેન્જ અને પોલ્યુશન અંગે ઈન્ડિન ઈન્સ્ટિટયુટ ઓફ એન્જિનિયર્સ , ઈન્ડિયન એસોસિએશન ફોર એર પોલ્યુશન કંટ્રોલ બોર્ડ અને એમ.એસ.યુનિવર્સિટીના જ્યોગ્રોફી વિભાગ દ્વારા નેશનલ સિમ્પોઝિયમનુ આયોજન કરાયુ હતુ.આ સિમ્પોઝિયમમાં પ્રેઝન્ટેશન રજૂ કરનાર શ્વેતલ શાહના મતે વિશ્વની જેમ ગુજરાત પર પણ ક્લાઈમેટ ચેન્જની અસર પડી છે.ખેતીવાડી પર તેની અસરો આગામી સમયમાં મોટો પડકાર બની શકે છે.સાથે સાથે તાપમાન વધવાના કારણે જમીનમાંથી ભેજ ઘટતો હોવાથી દરિયા કિનારાની જમીનમાં ખારાશ પણ વધી રહી છે.દરિયા કિનારાની સપાટીમાં વધારો થયો છે તેવુ હજી કહી શકાય નહી પણ આ જ રીતે તાપમાન વધવાનુ ચાલુ રહ્યુ તો દરિયા કિનારાની સપાટી વધી પણ શકે છે.
શ્વેતલ શાહે કહ્યુ હતું કે, સરકાર દ્વારા ક્લાઈમેટ ચેન્જના પડકારોને પહોંચી વળવા ઉપાયો કરાઈ રહ્યા છે.ખેતીને પાણી મળી રહે તે માટે સિંચાઈ નેટવર્ક વધારવામાં આવી રહ્યુ છે.રિન્યુએબલ એનર્જી પર ભાર મુકાઈ રહ્યો છે.ગુજરાતની વિન્ડ, સોલર, હાઈડ્રો પ્રોજેક્ટ થકી વીજળી ઉત્પન્ન કરવાની ક્ષમતા ૧૦૦૦૦ મેગાવોટ પર પહોંચી ચુકી છે.જે કુલ ઉત્પાદન ક્ષમતાના ત્રીજા ભાગની છે.સાથે સાથે ઈલેક્ટ્રિક વાહનોને પણ સબસિડી થકી પ્રોત્સાહન આપવામાં આવી રહ્યુ છે.