પર જ્ઞાતિના યુવક સાથે લગ્નની જિદમાં એક વર્ષથી ઘરમાં કેદ કરાયેલી યુવતીને અભયમે છોડાવી
વડોદરા,તા.13 ફેબ્રુઆરી,2020,ગુરૃવાર
અન્ય જ્ઞાાતિના યુવક સાથે પ્રેમ લગ્ન કરવાની જિદે ચડેલી યુવતીને તેના પરિવારજનોએ એક વર્ષથી નજરકેદ કરતાં અભયમે તેને બહાર કાઢી હતી.
ગોત્રી વિસ્તારના કિસ્સાની વિગત એવી છે કે,૨૩ વર્ષની એક યુવતી અન્ય જ્ઞાાતિના યુવકના પ્રેમમાં પડી હતી.યુવતીએ આજ યુવક સાથે લગ્ન કરવાની જિદ પકડી હતી.
સામે પક્ષે યુવકના પરિવારજનો યુવતીને સ્વીકારવા તૈયાર હતા.પરંતુ યુવતીના પરિવારને આંતર જ્ઞાાતિય લગ્ન સામે વાંધો હતો.તેમણે બીજા સંતાનોના ભવિષ્ય પર અસર પડશે તેવું કારણ દર્શાવ્યું હતું.
યુવતીએ જિદ નહીં છોડતાં તેને ઘરમાં જ કેદ કરવામાં આવી હતી અને તેની બહાર અવરજવર તેમજ વાતચીત ઉપર પ્રતિબંધ લાદી દેવાયો હતો.એક વર્ષથી ઘરમાં કેદ થયેલી યુવતી કંટાળી હતી અને આખરે અભયમની મદદ લીધી હતી.
અભયમના સૂત્રોના જણાવ્યા પ્રમાણે,યુવતીની ફરિયાદના કારણે તેને ઘેર જઇ પરિવારજનોને સમજાવ્યા હતા અને આખરે યુવતીની ઇચ્છા મુજબ તેને નારી સંરક્ષણ ગૃહમાં આશ્રય આપવામાં આવ્યો હતો.